ગુરુવારે શહેરમાં સિઝનનું સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પણ વટાવી જવાની હવામાન નિષ્ણાતની આગાહી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના સૂકા ગરમ પવનની અસર હેઠળ ગુરુવારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગરમ અને સૂકા પવન સીધા ગુજરાત તરફ આવતા હોવાના કારણે શુક્રવારથી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં વધારો થવાની સાથે તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. ત્રણથી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર જવાની સાથે લઘુતમ તાપમાન 22થી 23 ડિગ્રી સુધી રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે.