નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.

Ahmedabad Latest

કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણમાં અનેક નવા સુધારા-વધારા સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી દેવાઈ છે અને તબક્કાવાર તેનો અમલ પણ શરૃ કરી દેવાયો છે.જો કે ગુજરાત બોર્ડે આજે સ્પષ્ટતા કરી છે કે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. નવી શિક્ષણ નીતિ લાગુ થતા ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ દૂર થઈ જશે તેવી ગેરસમજ વિદ્યાર્થીઓ-વાલીઓ અને સ્કૂલ શિક્ષણમાં ચાલી રહી છે ત્યારે આ બાબતે આજે ગુજરાત શિક્ષણ બોર્ડે પબ્લિક નોટિસ જાહે કરતા સ્પષ્ટતા કરી છે કે નવી શિક્ષણ નીતિના પ્રકરણ ૪- શાળા અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્રમાં આપેલ પેરેગ્રાફ ૪.૩૭ની વિગતો મુજબ હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૃરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવાનું સૂચવવામા આવ્યુ છે. જ્યારે ધો.૧૦ અને ૧૨ માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામા આવશે. વર્તમાન મૂલ્યાંકનવ પ્રણાલીની હાનિકરક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃ રચના કરવામા આવશે. જે મુજબ વિદ્યાર્થીઓ તેમના વ્યક્ગિત હિતોને આધારે ઘણા વિષયોમાંથી બોર્ડની પરીક્ષાના વિષયોની પસંદગી કરી શકશે. બોર્ડની પરીક્ષાઓને પણ સરળ બનાવવામા આવશે. સરળ એ રીતે કે પરીક્ષાઓ કોચિંગ કે ગોખણપટ્ટીને બદલે  ક્ષમતાઓ અને યોગ્યતા આધારીત હોય. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું વર્ષ બગડવાના  સંકટને દૂર કરવા બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે .એક મુખ્ય પરીક્ષા અને એક સુધારણા માટે  પરીક્ષા. આમ નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ગુજરાતમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ લેવાનું યથાવત જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *