વેરાવળ શહેરમાં આરોગ્ય સેવા વિકસી હોવાથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી દર્દીઓ અત્રે હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘણી હોસ્પીટલો અને ક્લિનીકો આવેલા છે. ત્યારે આ જ વિસ્તારમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે કોંગી નગરસેવક દ્વારા પાલીકા તંત્રને લેખીત રજૂઆત કરી બેજવાબદારી દાખવનારી હોસ્પીટલ અને તબીબ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. કોંગી નગરસેવકએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, લોકોનું આરોગ્ય નીરોગી રહે તે માટે શહેરોને સ્વચ્છ રાખવા કરોડોનો ખર્ચ થાય છે. લોકોના આરોગ્યની સતત ચિંતા કરતા તબીબો દ્વારા જ જોખમી ગણાતા બાયોમેડીકલ વેસ્ટનો નિયમ વિરૂદ્ધ જાહેરમાં નિકાલ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે. જેને લઈ લોકો અને પશુઓ માટે જોખમી રૂપ બન્યું છે. જાહેરમાં બાયો મેડીકલ વેસ્ટનો જથ્થો થોડા દિવસો પહેલા બસ સ્ટેશન સામેના બ્લડ બેંક વિસ્તારમાં જોવા મળ્યો હતો. ત્યારે અમુક હોસ્પીટલો અને મેડીકલ એજન્સીઓ બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકે તે નિંદનીય બાબત છે. વધુમાં આ બાયો મેડીકલ વેસ્ટ (જૈવિક રસાયણ કચરો) લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આ કચરાથી વાતાવરણ પ્રદુષિત થવાની સાથે પાણી પણ પ્રદુષિત થાય છે. જેની લોકોના સ્વાસ્થ્ય પર ખુબ ગંભીર અસર પડે છે. એટલું જ નહી જાહેરમાં ફેકાતા આ કચરાને પશુઓ ખાતા હોય છે જેથી આ નિદોષ પશુઓ પણ બીમારીનો ભોગ બને છે. જેથી આ બાબતને ગંભીરતાથી લઈ જોડીયા શહેરની દરેક હોસ્પીટલો, ક્લિનીકો અને મેડીકલ એજન્સીઓમાં બાયો મેડીકલ વેસ્ટના નિકાલ અંગે સરપ્રાઈઝ ચેંકીગ કરવાની માંગ છે. જેમાં કોઈ બેદરકારી દાખવતું જોવા મળે તો દંડકીય સહિતના નિયમોનુસાર પગલા ભરવામાં આવે તેવી માંગ છે. હવે પછી બાયો મેડીકલ વેસ્ટનો નિયમોનુસાર નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે તેવી કાર્યવાહી કરવા માંગ હોવાનું અંતમાં જણાવેલ છે. અત્રે નોંધનીય છે કે, થોડા સમય અગાઉ જાહેરમાં બાયો મેડીકલ વેસ્ટ ફેંકાતો હોવાનું પાલીકા પ્રમુખના ધ્યાને આવતા તેમણે સોશિયલ મીડિયા અને IMAના માધ્યમથી આવી બેદરકારભરી પ્રવૃત્તિ અટકાવવા અપીલ કરી હતી. જોકે, તેની કોઈ અસર નહીં થતી હોય તેમ ફરી જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ જોવા મળ્યો છે.
Home > Saurashtra > Gir - Somnath > વેરાવળમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો, બેજવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરાઈ.