રાજ્યમાં આજે દેશવ્યાપી બેંક હડતાલ હોવાના કારણે બે દિવસ બેંકો બંધ રહેવાની છે. ઉપરાંત 31 માર્ચના રોજ વાર્ષિક ઓડિટ થતું હોય છે. જેને કારણે 1 એપ્રિલના રોજ બેંકો બંધ રહેશે. 2 એપ્રિલના રોજ ચેટીચાંદનો તહેવાર હોવાથી રજા રહેશે અને 3 એપ્રિલે રવિવારની રજા છે. આમ પાંચ દિવસ બેંકોનું કામકાજ ખોરવાયેલું રહેશે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોનેનો પગાર ત્રણ અથવા ચાર એપ્રિલના રોજ જમા થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોને માર્ચ મહિનાનો પગાર ચાર દિવસ મોડો જમા થશે જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગ દ્વારા પરિપત્ર કરી અને તમામ બિલ ક્લાર્કોને જણાવવામાં આવ્યું છે કે, કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને પેન્શનરોને માર્ચ 2022ના પગારની ચૂકવણી માટે બેન્ક પ્રોસેસ 3 એપ્રિલના રોજ થશે, જેથી 4 એપ્રિલના રોજ પગાર જમા થશે. 1 એપ્રિલના રોજ વાર્ષિક હિસાબના ઓડિટની બેંકમાં રજા રહેશે. તેમ જ 2 એપ્રિલના રોજ ચેટીચાંદના તહેવારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજા રહેશે. જેથી પગારના ચુકવણી માટેની બેંક પ્રોસેસ 3 તારીખે પૂર્ણ કરવામાં આવશે. જેથી 3 અથવા 4 એપ્રિલના રોજ તમામ કર્મચારીઓના ખાતામાં પગાર જમા થશે.