એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર હવે આજથી રોજની 11 ફલાઈટ ઉડાન ભરશે. ગત માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટ પર રોજ દર એક કલાકે ફલાઈટ મળી રહેતી હતી. કોરોનાની બીજી લહેર આવતા મુસાફરો ઘટી ગયા હતા. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સૌથી વધુ મેડિકલ અને ઈમરજન્સી ફ્લાઈટની અવર-જવર વધારે રહી છે. બીજી અને ત્રીજી લહેર બાદ પહેલીવાર ફલાઇટ ફ્રિકવન્સી વધી રહી છે. સૌથી વધુ દિલ્હી -મુંબઇની ફલાઇટ છે જેને કારણેે દિલ્હી- મુંબઈ એક જ દિવસમાં જઈને પરત ફરી શકાશે. ફલાઈટ ફ્રિકવન્સી વધતા હવે મુસાફરોનો આઠ થી 10 કલાકનો સમય બચી જશે. રાજકોટ એરપોર્ટ પરથી રોજ દિલ્હી – મુંબઈની ચાર- ચાર અને હૈદ્રાબાદ-ગોવાની એક- એક ફલાઈટ મળી રહેશે. આ સિવાય રાજકોટથી સુરત જવા માટે ફલાઈટ મળશે. કોરોનાના કેસ વધવાને કારણે મુસાફરો ઘટી ગયા હતા પરંતુ હવે કોરોનાના કેસ કાબૂમાં આવી ગયા છે અને વેપાર- ઉદ્યોગ માટે કોઈ પ્રતિબંધ નહિ હોવાથી પૂરતો ટ્રાફિક મળી રહે તેવી આશા સેવાઈ રહી છે. કોરોનાને કારણેે આંતરરાષ્ટ્રીય ફલાઇટ પણ મર્યાદિત જ હતી. પરંતુ 27 માર્ચથી તે પણ રાબેતા મુજબ થવાની જાહેરાત નાગરિક ઉડ્ડયન મંત્રીએ કરી છે. આથી એક વર્ષ સુધી જે વ્યાપાર- ઉદ્યોગ માટે વિદેશ જવા માટે જે બંધ હતું તે હવે ફરી રાબેતા મુજબ થશે. રૂબરૂ મુલાકાત થવાથી અને વિદેશના ઉદ્યોગકારો વેપારીઓ રાજકોટ આવશે તો તેને કારણે વેપાર વધવાની અને નવા ઓર્ડર મળવાની સંભાવના વર્તાઈ રહી છે. નવા નાણાકીય વર્ષમાં 25 ટકા વેપાર વધશે તેવો અંદાજ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે વ્યકત કર્યો છે.
