સિંધરોટ ખાતે બ્રિજ તૂટી પડ્યો હતો. 2 ટન વજનના પંપને બ્રિજ પરથી વેલ પર ચઢાવતા અકસ્માત સર્જાયો હોવાનું ખૂલ્યું છે. આ બાબત પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટ કરાઈ છે. 150 ફૂટ લાંબા 100 ટન વજનના બ્રિજનો આ ગાળો, જેને ગંજાવર પાઇપોનો જ નહીં તેમાં રહેલા પાણીનો ભાર સહન કરવાનો હોય તેવું સ્ટ્રક્ચર કેવા સંજોગોમાં તૂટે તેની ભાસ્કરે સ્ટ્રક્ચરલ અને બ્રિજ એન્જિનિયરિંગના તજ્જ્ઞો સાથે વાત કરતાં જુદાં જુદાં કારણ આપ્યાં હતાં. પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું કે, પંપ લઇ જતાં હોરિઝોન્ટલ થ્રસ્ટ (ધક્કો) લાગતાં આ ભાગ સાઇડ પર આવી જતાં અકસ્માતે તૂટી પડ્યો હતો. આ પંપ બ્રિજ પરથી કૂવામાં લઇ જવાતો હતો ત્યારે આ ઘટના બની હતી. આ બ્રિજમાં એક્સિડેન્ટલ લોડ ગણવામાં આવ્યો હતો, પણ આ ઘટના ધક્કો લાગવાને લીધે બની છે. જોકે આ બાબતે અમે કોન્ટ્રાક્ટર સહિત ત્રણને નોટિસ આપી છે. આ વિશે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના પ્રાધ્યાપક ડો. આઇ.આઇ. પંડ્યાએ જણાવ્યું કે, બ્રિજ બનાવી વેળા એલાઇન્મેન્ટ ચેક કરવું જરૂરી છે. બાકી આવડા મોટો બ્રિજ 2 ટન વજનની વસ્તુથી પડી જાય તે વાત કોઇપણ સંજોગોમાં ગળે ઊતરે એવી નથી. હોરિઝોન્ટલ થ્રસ્ટનું કારણ સમજીએ તો બ્રિજ ઊભો કરતાં તેનું પ્લેસિંગ યોગ્ય રીતે ન થયું હોય તેવું જણાય છે, જેમાં ગુરુત્વાકર્ષણ બિંદુને લઇ જવાતાં વજનના પ્રમાણમાં યોગ્ય રીતે સેટ કરીને નક્કી કરાયું ન હોય ત્યારે આ પ્રકારની દુર્ઘટના સર્જાઇ શકતી હોય છે. ઉલ્લેખનીય છે કે, બ્રિજ તૂટ્યો તેના 4 દિવસ અગાઉ જ તેને ઊભો કરાયો હતો. આ ઘટનામાં બ્રિજનો જે ભાગ તૂટી પડ્યો છે તેને પાલિકાએ સ્ક્રેપ ગણ્યો છે અને નવો ભાગ ફરી ફિટ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની જ રહેશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને બિલ્ડર્સના સ્ટ્રક્ચરલ એન્જિનિયરની કમિટીએ શનિવારે સ્થળની મુલાકાત લીધી હતી, જેના આધારે રિપોર્ટ આપશે. પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાના જણાવ્યા અનુસાર ઘટનામાં માનવીય ભૂલ નથી, અકસ્માત છે, તેવો રિપોર્ટ કમિટીએ સોંપ્યો છે. હાલમાં અકસ્માતના સ્થળ સિવાય અન્યત્ર કામ કોન્ટ્રાક્ટર કરી શકશે તેવું જાણવા મળ્યું છે. કમિટીએ લોખંડનો નમૂનો લેબમાં મોકલ્યો છે. સિંધરોટ ખાતે ફ્રેન્ચવેલનો બ્રિજ તૂટી પડવાના બનાવમાં મ્યુ. કમિશનરે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા હતા. તંત્રે કોન્ટ્રાક્ટર જોઇન્ટ વેન્ચર ક્રિશ્ના રાજકમલ બિલ્ડર્સને નોટિસ ફટકારી છે.