શાહપુરની આંબલી વાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા તૈયાર કરાવાયેલા મંદિરને 27 માર્ચે પુનઃ દર્શન માટે ખુલ્લું મુકાશે. મંદિરના સંતના જણાવ્યા અનુસાર આ મંદિરનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પોળનાં તમામ મકાનમાં પણ રિનોવેશન કરાયું છે.આ જ પોળમાં પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ 1930થી 1960 સુધી રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિ કરી હતી. આ પોળમાં જ પ્રમુખ સ્વામીજી મહારાજને દીક્ષા આપવામાં આવી હતી અને સ્વામીજીને બીએપીએસના પ્રમુખ તરીકેનું પદ સોંપ્યું હતું. પ્રમુખ સ્વામીજી મહારાજે પોળના તમામ ઘરમાં ભિક્ષા પણ માગેલી છે.શાસ્ત્રીજી મહારાજે 1942માં પોળમાં નાનું હરિ મંદિર બનાવ્યું હતું, એ મંદિરને મોટું બનાવીને પુનઃ દર્શનાર્થે ખુલ્લું મુકાશે. આ મંદિરમાં શાસ્ત્રી મહારાજે હરિ પ્રભુજીની સેવા કરી છે. 27 માર્ચના રોજ દિવસભર ભવ્ય કાર્યક્રમની સાથે આ મંદિરને પુનઃ ખુલ્લું મૂકવામાં આવશે. આ મંદિરને તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મંદિરના સંતના જણાવ્યા અનુસાર સંસ્થાના ઇતિહાસમાં આ પોળનું અનેરું મહત્ત્વ છે. સંસ્થા માટે આ પોળની ઐતિહાસિકતા સદા માટે જળવાય તે માટે પોળનું સમારકામ કરાયું છે. પોળમાં 50થી 60 ઘરમાંથી કેટલાક ઘરનું નવેસરથી સમારકામ કરાયું છે. 15 મકાન પડી જાય તેમ હતાં, તેનું પણ સમારકામ કરવામાં આવ્યું છે.