વડોદરામાં કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા વડોદરા શહેરના શુક્રવારી બજારને કોરોના વાઈરસની મહામારીને કારણે આજે બંધ કરાવવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં છેલ્લા 80 વર્ષથી ભરાતા શુક્રવારી બજારને બંધ કરાવવા માટે આજે સવારે પોલીસની ટીમો પાલિકાની ટીમોને સાથે રાખીને પહોંચી ગઇ હતી. હાથીખાનાથી કારેલીબાગ જવાના રોડ ઉપર ભરાતા શુક્રવારી બજારમાં જુની-પુરાણી વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરવા માટે વેપારીઓ આવે છે. એન્ટીક ચિજવસ્તુઓનો સંગ્રહ કરતા શોખીનો માટે આ બજાર હબ ગણાય છે. કોરોના વાઈરસની દહેશત વચ્ચે પણ આજે વેપારીઓએ પોતાનો ધંધો-શરૂ કર્યો હતો. પરંતુ કોરોના વાઈરસને પગલે પોલીસે તમામ પથારાઓ બંધ કરાવી દીધા હતા. બીજી તરફ વડોદરાના ઇન ઓર્બિટ, ઇવા મોલ અને સેવન સીસ સહિતના તમામ મોલ આજે પણ ખુલ્લા જ રહ્યા છે. તંત્ર દ્વારા શહેરના મોલને બંધ કરાવવા માટેની કોઇ જાહેરાત કરી નથી.