તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે ચણાનાં પાકની ટેકાના ભાવે ખરીદી માટે 2900થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય.જેમાં 1 માર્ચથી ખરીદી શરૂ થતા 700 ખેડૂતોને ચણા વેંચવા બોલાવેલ જેમાં 550 જેટલા ખેડૂતોએ યાર્ડનાં ખરીદ કેન્દ્રમાં ચણા વેંચી બજારભાવ કરતા મણે દોઢસો રૂપિયા ઉંચા મેળવી ખરા અર્થમાં ટેકો મેળવ્યો છે. તાલાલા યાર્ડ ખાતે ચણા ખરીદ કેન્દ્રનું કામ સંભાળતી મંડળીના હરદાસભાઈએ જણાવ્યું હતું કે, સરકારનાં ટેકાનાં ભાવે ચણા વેંચવા આવતા ખેડૂતોને એક ખાતા દિઠ સવા છ ખાંડી એટલે કે 125 મણ ચણાની ખરીદી કરવામાં આવે છે. તાલાલા ખરીદ કેન્દ્ર ઉપરથી લેવામાં આવેલ ચણાનો પાક 50 કિલોનું પેકીંગ કરી નાફેડ દ્વારા ફાળવવામાં આવેલ ગોરખમઢી ખાતેના પેરહાઉસમાં પહોંચાડવામાં આવે છે. બજારભાવ કરતા ચણામાં એક મણ દિઠ ખેડૂતોને દોઢસો રૂપિયા વધુ મળે છે. 10 વિઘામાં 12 મણનાં ઉતારાથી 120 મણ ઉતરે તો બજાર ભાવ મણના 900 લેખે 1,08,000 થાય. જ્યારે ટેકાના ભાવ 1046 લેખે 120 મણનાં 1,25,520 થાય એટલે ખેડૂતને વાવેતર, દવા, ખાતર, બિયારણના કરેલ ખર્ચ ભાવફેરથી વધે એટલે જ ચણામાં ટેકો સાચા અર્થનો ટેકો છે.