રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે PGVCL હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્તાર, આજીડેમ પાસે આવેલા મિનરલ વોટર પ્લાન્ટ કે જે ખીરાના નામનું વીજ જોડાણ 14 કિલોવોટનું છે, તેમાં PGVCLની વિજીલન્સ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરતા મીટર સાથે અને મીટર સીલ સાથે ચેડા કર્યાનું જાણવા મળ્યું હતું. આ મીટરને સીલ કરીને 21 માર્ચના રોજ મીટર ટેસ્ટિંગ લેબોરેટરીમાં ગ્રાહકની હાજરીમાં તપાસ કરતા આ વીજ જોડાણમાં વીજ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ કારખાનામાં કુલ 11.156 કિલોવોટ લોડ જોડાયેલો હતો અને નિયમાનુસાર પાવરચોરીનું રૂ. 9.25 લાખનું બીલ આપવમાં આવ્યું છે.રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા 22 માર્ચના રોજ સોમનાથ પાર્ક, કોઠારિયા વિસ્તારમાં સૌ પ્રથમ વખત ડ્રોન દ્વારા એરિયા સર્વે કરાવી કુલ 3 વીજ ગ્રાહકોને તથા 2 બિન વીજ ગ્રાહકો એમ કુલ 5ને સ્થળ ઉપર જ વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી અંદાજીત રૂ. 1 લાખના પૂરવણી બીલો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રણછોડનગર સબ ડિવીઝન હેઠળના ભગવતીપરા વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાં 22 માર્ચના રોજ વીજ જોડાણ ચેક કરતા એલ.ટી. પોલ ઉપરથી સીધો કેબલ જોડી મીટર બાયપાસ કરી લોડ સાઈડમાં ડાયરેક્ટ વીજ વપરાશ કરતા રંગેહાથ ઝડપાયા હતા. આમ મીટર હોવા છતાં વીજ વપરાશ નોંધાઇ નહીં તેવી રીતે પાવર ચોરી કરતા હોવાનું જામવા મળ્યું હતું. આ સાડીના કારખાનામાં કુલ 19.185 કિલોવોટ લોડ જોડેલો હતો. નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજીત રૂ.9 લાખનું પાવરચોરીનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે.