BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટમાં તિરુપતિપાર્ક, સોરઠીયાવાડી, શ્રદ્ધાપાર્ક, પ્રમુખવાટિકા વિસ્તારમાં ચાર સંસ્કારધામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું 23થી 28 માર્ચ સુધી 6 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સવારે 6 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ દ્વારા કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં 265 હવનકુંડમાં 2200 યજમાનો આહુતિ આપી રહ્યા છે. આ મહાયજ્ઞનો અદભૂત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 24 અને 25 માર્ચના રોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી રાજકોટના રાજમાર્ગો પર ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. તેમજ 27 અને 28 માર્ચે સવારે 7 વાગ્યે મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજીત થયેલી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ BAPSના વરિષ્ઠ અને વિદ્વાન સંતોના હસ્તે સંપન્ન થશે. સાથે શુદ્ધ, શાકાહારી અને સ્વાદિષ્ટ વાનગીઓ ભક્તો-ભાવિકોને પ્રાપ્ત થાય એવું રાજકોટના નજરાણા સમાન સુંદર પ્રેમવતી ઉપહાર ગૃહનો પણ આરંભ થશે. પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે આજે બુધવારે સવારે 6 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞની તૈયારી માટે સ્વયંસેવકો તડામાર તૈયારીઓ કરી હતી. BAPS સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરાવવામાં આવ રહી છે. યજ્ઞમાં ત્યાગ, બલિદાન, શુભકર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થો, મૂલ્યવાન પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ અને વાયુના માધ્યમથી સમસ્ત સંસારના કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અપૂર્વમુનિ સ્વામિએ જણાવ્યું હતું કે, મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટમાં નવા ચાર સંસ્કારધામનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ આજથી વિશ્વશાંતિ મહાયજ્ઞથી કરવામાં આવ્યું છે. મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. લોકો તન, મન અને ધનથી સુખી થાય, સમગ્ર વિશ્વમાં આતંકવાદ, નક્સલવાદ, અરાજકતા છે તે વહેલી તકે દૂર થાય. સમગ્ર વિશ્વમાં દેશ-દેશ વચ્ચે, રાજ્ય-રાજ્ય વચ્ચે શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના થઈ રહી છે.