રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરને છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે. અંબાજીમાંથી 2021માં 31 કરોડ, 2020માં 35 કરોડનું દાન મળ્યું છે. એ જ રીતે સોમનાથમાંથી 2020માં 35 કરોડ અને 2021માં 41 કરોડ દાન મળ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, મંદિરોને મળતા દાનના કરોડો રૂપિયાનો ઉપયોગ હિન્દુ સમાજ માટે કરવામાં આવે તેવો કાયદો હોવો જોઈએ. આ કાયદો દેશભરના મંદિરોને લાગુ પાડવાની જરૂર છે.સૂત્રોના જણાવ્યા અનુસાર દાનમાં મળતા આ કરોડો રૂપિયાનો વહીવટ પણ સીધી કે આડકતરી રીતે સરકાર જ કરતી હોય છે. દ્વારકાના જગત મંદિરને મળતા દાનમાંથી 80 ટકા હિસ્સો પૂજારીના પરિવારોને ભાગે આવતો હોય છે. જ્યારે લગભગ 15થી 20 ટકા હિસ્સો મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે. માત્ર 2 ટકા ચેરિટી ટ્રસ્ટને મળે છે.