વેરાવળ શહેરમાં ભોઇ સમાજ દ્વારા દર વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે હોલિકા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભૈરવનાથ દાદાની 30 ફુટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. જેના દર્શનાર્થે વેરાવળ સહિત આસપાસના ગામોમાંથી હજારો લોકો ઉમટી પડશે. તા.17ને ગુરૂવારે શારદા હાઉસીંગ સોસાયટી (ભોય સોસાયટી) ખાતે હોલિકા ઉત્સવ મનાવવા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હોલિકા ઉત્સવની વેરાવળમાં સવાસો વર્ષ પૂર્વે શરૂઆત થઇ હતી. ત્યારથી લઇ દર વર્ષે હોળી-ઘુળેટી પર્વે શહેરમાં ભોઇ સમાજ દ્રારા ભૈરવાનાથ દાદાની પ્રતિમાં બનાવવામાં આવે છે. આ અંગે ભોઇ સમાજના પ્રમુખ , ઉપપ્રમુખએ જણાવેલ કે, કાળ ભૈરવનાથ ભગવાન શંકરનું જ દિગંબર સ્વરૂપ છે. સોમનાથ દાદાની કૃપાથી આ વર્ષે કોરોનાનું સંકટ ટળી ગયેલ હોવાથી દર વર્ષની પ્રણાલિકા મુજબ આ વર્ષે પણ ભોઇ સમાજ દ્વારા હોલિકા ઉત્સવની ઉજવણી કરવા તડામાર તૈયારી શરૂ કરી છે. જેમાં પથ્થર, માટી તથા કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવામાં આવનાર છે અને આ ભૈરવનાથની ઘણા લોકો માનતા પણ માને છે અને માનતા પૂર્ણ થતા લોકો ઢોલ, શરણાઇ અને હાયડા સાથે ઉત્સાહભેર ભૈરવનાથ દાદાના દર્શન કરવા આવે છે પ્રાચીન સમયમાં ફાનસ યુગથી વેરાવળમાં હોળી અને ધુળેટીના તહેવાર નિમીતે વેરાવળ ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવામાં આવે છે. જે પરંપરા ઉતરોતર પેઢીઓએ જાળવી રાખી છે. ઉત્સવ નિમિતે સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જેઓ હોળીના આગલા દિવસથી ભૈરવનાથની પ્રતિમા બનાવવા કામ લાગી જઇ 30 ફુટ ઉંચી પ્રતિમા બનાવવાનો પ્રારંભ કરે છે. પ્રતિમા તૈયાર થયા બાદ તેને શણગારી સુશોભિત કરવામાં આવે છે. હોળીના દિવસે સવારથી ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે. ભૈરવનાથ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી લોકો ધન્યતાનો અનુભવ કરે છે. પ્રાચીન કાળથી નિ:સંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તીની મનોકામના માને છે અને ઘણા પરિવારોને ત્યાં પારણા બંધાયાના દાખલા હયાત જોવા મળે છે. ભોઇ સમાજ દ્વારા સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવે છે. હજારો લોકો દર્શન માટે સવાર થી જ ઉમટી પડે છે અને મોડી રાત સુધી દર્શન માટે લોકો આવે છે. યુવાનો દ્વારા શરબત અને પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવે છે. શ્રધ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે એની તકેદારી રાખવામાં આવે છે. આગામી તા.17 ને ગુરૂવારે 80 ફુટ રોડ ઉપર આવેલ શારદા હાઉસીંગ સોસાયટી (ભોઇ સોસાયટી) માં આવેલ ભૈરવનાથ ચોકમાં ભૈરવનાથની પ્રતિમાંના દર્શનનો લાભ લેવા અપીલ કરી છે.
Home > Saurashtra > Gir - Somnath > ભોઇ સમાજ દ્રારા વેરાવળમાં હોલીકા ઉત્સવ પર્વે કાળ ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરશે