એક સમય એવો હતો જ્યારે 10 કિમીનો રોડ બનાવવામાં મહિનાઓ પસાર થઇ જતા હતા. પરંતુ જેમ જેમ ટેકનોલોજીમાં બદલાવ આવતો ગયો તેમ તેમ રોડ નિર્માણમાં પણ ગતિ આવી. તેમાંય ભારત માલા દિલ્હી – મુંબઇ નેશનલ કોરિડોર અંતર્ગત પંચમહાલ જિલ્લામાંથી પસાર થઇ રહેલા માર્ગના નિર્માણમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ ક્ષેત્રમાં 50 કિમીનો રોડ માત્ર 100 કલાકમાં બનાવાયો હતો.
સ્થળે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ હાજર
આ યોજના અંતર્ગત પંચમહાલમાં 22 કિમી જેટલો 8 લેનનો કોરિડોર બનાવવાનો છે ત્યારે રોડ બનાવતી કંપની પીએનસી ઇન્ફ્રા દ્વારા 4-4 લેન મળીને 50 કિમીનો માર્ગ બનાવવા એક માસથી તૈયારી ચાલી રહી હતી. કાલોલ તાલુકાના ભાદરોલી ગામ પાસેથી પસાર થતા કોરિડોર નિર્માણ માટે 500 શ્રમિક અને 150 મશીન સહિત વાહનોથી 100 કલાકમાં 42666 મેટ્રિક ટન મટિરિયલ્સ વાપરીને 50.03 કિમીનો રોડ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હાઇવે બનાવતી વખતે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ હાજર રહી હતી. શનિવારે બપોરે 12.30 કલાકે 50.03 કિમી માર્ગનું કામ પૂર્ણ થયું હતું. 100 કલાકમાં 50.03 કિમી રોડનો રેકોર્ડ બનતાં અગાઉનો 93 કલાકમાં 20.8 કિમી 19 હજાર મે.ટન મટિરિયલથી બનેલા માર્ગનો રેકોર્ડ તૂટયો હતો.
અગાઉનો 93 કલાકમાં 20.8 કિમી માર્ગનો રેકોર્ડ તોડ્યો
આ કંપની દ્વારા 93 કલાકમાં 19756 ડામર મટિરિયલથી 20.8 કિમી માર્ગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ કરાયો હતો. તેના 45 કલાકમાં જ કાલોલ તાલુકાના ભાદરોલી ગામ પાસે 50 કિમીનો માર્ગ 100 કલાકમાં બનાવીને રેકોર્ડ તોડ્યો હોવાનું પીએનસી કંપનીના અધિકારી જણાવ્યું હતું.