નેશનલ હાઇવે નંબર-48 ઉપર નાઇટ શિફ્ટમાં ફરજ બજાવી રહેલા પાણીગેટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ઉપર ત્રણ યુવાનો દ્વારા લાકડીઓથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયો છે. ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોએ રાત્રે 3 વાગે હાઇવે ઉપર ઝઘડો કરી રહેલા ત્રણ યુવાનોને ઠપકો આપી ઘરે રવાના કરી દીધા હતા. જેથી ત્રિપુટીએ પોલીસ જવાન અને હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો હતો.
દરમિયાન અડધો કલાક બાદ ત્રણેય યુવાનો લાકડા ડંડા લઇ લીલુડી ધરતી હોટલ પાસે આવી પહોંચ્યા હતા અને નાઇટમાં ફરજ બજાવી રહેલા પાણીગેટ પોલીસ મથકના પોલીસ જવાન દિનુભાઇ માલાભાઇને જણાવ્યું કે, અમને જવાનું કેમ કહ્યું. તેમ જણાવી માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત અનિલ ઉર્ફ ઉક્કી માળીએ હોમગાર્ડ જવાન દિપક વિઠ્ઠલરાવને પકડી રાખ્યો હતો અને તેના બે સાગરીત કિરણ મોરે અને કરણ કદમે લાકડીઓથી હોમગાર્ડ જવાન દિપક નેવાલકરને માર મારી ઇજા પહોંચાડી હતી. જેમાં તેઓને હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનને માર માર્યા બાદ હુમલાખોર ત્રિપુટીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. નેશનલ હાઇવે ઉપર મોડી રાત્રે બનેલા આ બનાવે શહેર પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મુકી હતી.