રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળે વળેલા શખ્સોએ પોલીસ તેમજ લોકોના વાહનોમાં તોડફોડ કરી હતી, ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ લાઠીચાર્જ કરી ટોળા પર કાબુ મેળવ્યો હતો.
રાજકોટ શહેરના રેડ ઝોન વિસ્તાર એવા જંગલેશ્વરમાં ગત રાત્રે અચાનક 300થી 400 જેટલા લોકોનું ટોળું બહાર આવી પથ્થરમારો કર્યો હતો, ત્યારે પોલીસના વાહનોમાં તોડફોડ થતાં ભારે અફરાતફરી મચી હતી. ત્યારે જંગલેશ્વરમાં ક્લસ્ટર કરાયેલ પતરાઓ ટોળાએ તોડવાનું શરૂ કરતાં પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થાય તેની પૂર્વ સંધ્યાએ જંગલેશ્વરમાં રહેતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર રસ્તા ઉપર નીકળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી લોકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. પરંતુ બેકાબુ બનેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો દોડી આવી મામલો થાળે પાડવા તજવીજ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારમાં બેકાબુ ટોળાએ અનેક વાહનોમાં પણ તોડફોડ શરૂ કરતાં અંતે પોલીસે ટીયર ગેસના સેલ છોડી હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.