બેઢિયા ગામમાં પ્રથમ પી.એચડી. થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર યુવાન ડૉ.મહેશ ચૌહાણ મૂળ સમાજશાસ્ત્ર વિષય સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણ,યુવા વિકાસ, કુરિવાજો, મહિલા આરોગ્ય જેવી અનેક સામાજિક બાબતોમાં રચ્યાપચ્યા રહે છે.
એક શિક્ષિત પરિવારના સભ્ય તેમજ એક જવાબદાર નાગરિક હોવાને કારણે કંઈક નવીન અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉપયોગી બનવાનું તેમનું ધ્યેય તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સામાજિક સંશોધનાત્મક પ્રવૃત્તિઓમાં સતત દ્રશ્યમાન થાય છે.
ડૉ.મહેશ ચૌહાણે તેમની આવી જ સંશોધનાત્મક પ્રતિભાને કારણે રજુ કરેલ સંશોધન પેપરની રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી થઈ હતી. તે સંદર્ભે તેમણે કર્ણાટક-બેંગ્લોરની નામાંકિત રાષ્ટ્રીય સંસ્થા “INSTITUTE OF SCHOLARS”(INSC) દ્વારા વર્ષ 2020 માટે રિસર્ચ એક્સેલન્સ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મેનેજમેન્ટ એન્ડ સોશિયલ સ્ટડીઝના રિવ્યુવર તરીકે પણ તેમની પસંદગી કરવામાં આવી છે. આ સંધર્ભે ડૉ.મહેશ ચૌહાણ એમ.એમ.ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાથી પ્રિન્સિપાલ ડો.કિશોર વ્યાસ સાહેબે પણ તેમને અનેક શુભેરછાઓ પાઠવી છે. આ એવોર્ડ પ્રાપ્ત કરી તેમણે પોતાના પરિવાર, સમાજ અને ગુજરાત રાજ્યના એક નાનકડા ગામ બેઢિયાનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું છે.
વધુમાં ડોક્ટર મહેશ ચૌહાણે સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ એવા પોતાના માર્ગદર્શક અને ગુરુ ડૉ.રમેશ એચ.મકવાણા તેમજ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ઉભું કરનાર માતા સર્જનબેન ચૌહાણ અને પિતા વિજયસિંહ ચૌહાણને એવોર્ડ પ્રાપ્તિનું સમગ્ર શ્રેય આપી એક શિષ્ય તથા પુત્ર તરીકેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે.