આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ મંત્રીઓને મહત્વના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યુ કે તેઓ ચૂંટણી રાજ્યોમાં તમામ પ્રસ્તાવિત કામોને પ્રાથમિકતાને આધાર પર લે.તાજેતરમાં એબીપી-સી વોટરે આ રાજ્યોમાં સર્વે કર્યો છે. સર્વે અનુસાર, ઉત્તર પ્રદેશમાં ભાજપને 259થી 267 બેઠક મળી શકે છે. આ સિવાય સમાજવાદી પાર્ટીને 109-117 બેઠક, બીએસપીને 12-16 બેઠક, કોંગ્રેસને 3-7 બેઠક અને અન્યને 6-10 બેઠક મળી શકે છે.ઉત્તરાખંડમાં ભાજપને 44થી 48 બેઠક, કોંગ્રેસને 19થી 23 બેઠક, આમ આદમી પાર્ટીને 0થી 4 બેઠક અને અન્યને 0થી 2 બેઠક મળવાનુ અનુમાન છે.
ગોવામાં ભાજપના ખાતામાં 22થી 26 બેઠક, કોંગ્રેસના ખાતામાં 3-7 બેઠક, આમ આદમી પાર્ટીના ખાતામાં 4-8 બેઠક અને અન્યના ખાતામાં 3-7 બેઠક જવાનુ અનુમાન છે.આ સિવાય પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પંજાબમાં વિધાનસભાના 117 બેઠક છે. આપને 51થી 57 બેઠકો મળી શકે છે. ત્યાં કોંગ્રેસે 38થી 46, એસએડીએ 16થી 24, ભાજપ અને અન્યને 0થી એક બેઠક મળી શકે છે.પીએમ મોદીના નિર્દેશ બાદ તમામ મંત્રાલય દરરોજ બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને યુપી અને ઉત્તરાખંડના કાર્યો પર જોર આપવામાં આવી રહ્યુ છે. સાથે જ વિકાસના કાર્યોને લઈને લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સિવાય પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભાના ચૂંટણી થવાની છે.