વડાપ્રધાન મોદીની છેલ્લી અમેરિકાની મુલાકાત 2019માં થઈ હતી. આ દરમિયાન, મોદી અને યુ.એસ.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. PM મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા બનેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.
વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધન કરી શકે છે. તાલિબાનના કબજા પછી રાજકીય સંકટનો સામનો કરી રહેલું અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્વનો મુદ્દો બની શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે.પ્રવાસ માટેની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, કાર્યક્ર્મ હજુ ફાઇનલ થવાનો બાકી છે. પ્રારંભિક યોજના અનુસાર, માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાની મુલાકાત લઈ શકે છે.