બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડનને હુમલાખોરોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે,તેઓ આતંકીઓને શોધી શોધીને ઠાર મારશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલ એરપોર્ટ પર હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે અમેરિકન સૈનિકોનાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે, અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોનું બલિદાન અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે આતંકવાદીઓને પકડી પકડીને મારીશું, સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે.
અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીશું .અને અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું. અમારું મિશન ચાલુ જ રહેશે અને જરૂર પડશે તો અમે વધારાના સૈનિકો પણ મોકલીશું.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે જ ગુરુવારે સાંજે બે ફિદાયીન હુમલા થયા હતા. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ હુમલામાં 80 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં 12 યુ.એસ મરીન કમાન્ડો પણ સામેલ છે, જ્યારે 15 ઘાયલ થયા છે. આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે આ હુમલાની જવાબદાર લીધી છે. ફિદાયીન હુમલા બાદ કાબુલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યાં છે.
.