5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી હતી. હાલ સોખડાના લીમડા વનમાં વેદોક્ત મંત્રોચ્ચારો સાથે અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી છે. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી રહી છે. જેમાં માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહ્યા છે. હરિભકતોને પ્રવેશ અપાયો નથી, તેઓ ઓનલાઇન દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહી શકશે. હાલ સોખડા સ્વામીનારાયણ મંદિરની બહાર હરિભક્તો ઉમટ્યા છે.
શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવ્યો હતો. મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોચશે. ત્યાં પણ પુરૂષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધિ કરવામાં આવશે. અંત્યેષ્ટી માટે ચંદન,કેર, ઉમરો, પીપળો, સેવન, તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે.
અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાશે.ભગવાન સ્વામિનારાયણે જે નદીઓમાં સ્નાન કરેલું છે. તે તમામ નદી ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા, તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે. જેની સાથે વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન કરાશે. આ સાથે પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન થશે.