રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનું વધું પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત અરવિંદભાઈ હડિયાએ ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું છે. જેને ગ્રામ્ય વિસ્તારમાં ઉંધુ જીરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઈસબગુલના વાવેતરમાં બિયારણનો પ્રતિ વિઘે માત્ર સો રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે સિવાય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ પણ માત્ર નહીવત જરૂરી હોય છે, પરંતુ ચાર મહીના જેટલા સમયગાળામાં ઈસબગુલનો પાક તૈયાર થાય છે, ઈસબગુલના ઉત્પાદન બાબતે નાની ઘંસારી ગામના ખેડુત અરવિંદભાઈ હડિયાએ જણાવ્યું હતું કે પ્રતિ વિઘે દશ મણથી લઈને પંદર મણ સુધીનું ઉત્પાદન થાય છે. જેનો પ્રતીમણ બે હજારથી પચ્ચીસ સો રૂપિયા સુધીનો બજાર ભાવ મળી રહે છે. ઈસબગુલના વેંચાણ માટે મુખ્યત્વે ઉંઝા માર્કેટીંગ યાર્ડ મુખ્ય પીઠુ માનવામાં આવે છે પણ તમામ તાલુકા મથકોએ વેપારીઓ દ્વારા પણ ઈસબગુલની ખરીદી કરવામાં આવે છે. ઘઉના ઉત્પાદનની દ્રષ્ટિએ ઈસબગુલના વાવેતરમાં ડબલથી પણ વધું આવક થતી હોવાથી અનેક ખેડુતો ઈસબગુલનું વાવેતર કરી રહયા છે.