બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા નગરપાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે.એ તમામની વચ્ચે રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પેરશુટ ઉમેદવાર તો અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે.અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ત્યારે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રાજપીપળા પાલિકા વૉર્ડ 5 અને વૉર્ડ 7 માંથી ભાજપની જ મહિલા આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે ચુંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે વોર્ડ 6 માંથી ભાજપ અને અપક્ષ એમ 2 ફોર્મ ભર્યા હતા.
નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા બેન ગાંધીએ જણાવ્યું હતું કે હું 1999 થી ભાજપમાં કામ કરૂં છું. મેં પોતે ભાજપની તમામ બેઠકોમાં હાજરી આપી છે, જવાબદારી પૂર્વક કામ પણ કર્યું છે. ગત વખતે પણ મારા વોર્ડ 5 માંથી સામાન્ય મહિલા અનામત સીટ પરથી મને ટીકીટ આપી ન હતી. અને આ વખતે પણ મને ટીકીટ નથી આપી, સામાન્ય મહિલા અનામત સિટ પરથી આદીવાસી મહિલાને ઉમેદવાર બનાવી છે. જો પક્ષ કહેશે તો અમે રાજીનામુ પણ આપવા તૈયાર છે. અમે ભાજપની જે સેવા કરી એનું ફળ અમને ન મળ્યું, હું કોઈ પણ ભોગે ફોર્મ પરત ખેંચુ નહિ એમ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મનીષા બેન ગાંધીએ અન્ય વોર્ડ માંથી કોઈ દિવસ ટીકીટ માંગી નથી પણ વોર્ડ 5 માંથી ટીકીટ માંગી તે છતાં સામાન્ય મહિલાની જગ્યાએ ભાજપે આદીવાસી મહિલાને ટિકીટ આપતા ભારે રોષ ફેલાયો છે.