રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
કોરોનાની મહામારી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે છે જેમા કોરોના દર્દીને પુરતા પ્રમાણમાં તેમજ સમયસર સારવાર મળી રહે તે મુજબની તમામ સુવિધાઓ સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ ગીર સોમનાથના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંક્રમણને નાથવા ત્વરિત કામગીરી કરવામાં આવે છે. કોવિડ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં ૫૮૦૦ જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦૦ થી વધુ દર્દીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જેમને અત્રેની કોવિડ હોસ્પિટલ ખાતેથી ઘનિષ્ડ સારવાર મેળવી મોટાભાગના દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યારે હોસ્પિટલમાં કોરોના ૨ દર્દીઓ સારવાર હેઠળ છે.
ગીર સોમનાથ ઉપરાંત જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, તેમજ રાજકોટના દર્દીઓએ સારવાર લીધી હતી. ગીર સોમનાથના લોકો દ્રારા કોરોના વોરીયર્સ બનીને અત્રેની હોસ્પિટલ ખાતે દાન તથા કોરોના વોર્ડ માટે જરૂરી સાધન સામગ્રી, દર્દીઓ અને વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જમવાનુ તથા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. દાતાઓ પણ કોરોના વોરીયર્સની મહત્વની ભુમિકા નિભાવેલ છે. કોરોના વોરીયર્સને કલેકટર અજયપ્રકાશ દ્રારા સન્માનપત્ર આપી સન્માન કરવામા આવ્યું હતું. સરકારી કોવિડ હોસ્પિટલ વેરાવળને દાતાઓ તરફથી રૂ.૭૦ લાખથી વધુની રકમનું અનુદાન મળેલ છે. જે માંથી જરૂરીયાત મુજબ સાધન સામગ્રી ખરીદી કરેલ છે.
અધિક્ષક ડો. જીગ્નેશ પરમારના નિયંત્રણ હેઠળ તમામ ડોકટર્સ તથા પેરામેડીકલ સ્ટાફ તથા ટેકનિકલ સ્ટાફ તથા સફાઇ કર્મચારીઓએ નિષ્ઠાથી કોરોના વોર્ડ ખાતે ફરજ બજાવેલ છે. તેમજ ખાનગી હોસ્પિટલ ખાતેથી એમ.ડી. ફિઝીશ્યન તથા એનેસ્થેટીક ડોકટર્સએ પણ સાથ સહકાર પુરો પાડી કોરોના વોર્ડમાં ફરજ બજાવેલ છે. જેના પરિણામે આપણે કોરોના દર્દીઓને કોરોના મુક્ત કરી શક્યા છે.