લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના ૧૧૮૧ પ્રવાસી શ્રમિકોને તેમના ૧૦૦ જેટલા બાળકો સાથે આજે સાંજે ટ્રેનમાં બેસાડી અલીગઢ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી શ્રમિકોએ પલાયન કર્યું હતું. આ શ્રમિકો દાહોદ ખાતે આવી ચઢતા સરકારના નિર્દેશો પ્રમાણે અહીં જ રોકી દઇ સાત જેટલા સ્થળોએ આશરો આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં બનાવવામાં આવેલા આ સાત શેલ્ટર હોમ્સમાં શ્રમિકોને રાજ્ય સરકાર દ્વારા ભોજન-નાસ્તા સહિતની સુવિધા આપવામાં આવી હતી. આ પરપ્રાંતીયોએ ૫૦ જેટલો દિવસની દાહોદની મહેમાનગતિ માણી હતી. આમ, કેટલાક પોતાના પરિવાર સાથે દાહોદમાં અટવાઇ પડ્યા હતા. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને કોઇ તકલીફ ના પડે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ સમયાંતરે આશ્રયસ્થાનની મુલાકાત લઇ સુવિધાની ચકાસણી કરતા રહ્યા હતા.
કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન શ્રમિકોને તેમના વતન જવા માટેની છૂટછાટ આપતા દાહોદથી પણ રેલ્વે સાથે સંકલન સાધી ખાસ ટ્રેનનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. દાહોદથી અલીગઢ સુધી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલુકાના શેલ્ટર હોમમાં રહેલા આ શ્રમવીરોને એસટીની ૪૦ બસો દ્વારા અહીના રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. સામાજિક અંતર જળવાઇ તે રીતે તેમને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. તમામ પ્રવાસીઓને માસ્ક આપવામાં આવ્યા હતા અને સંબંધિત શેલ્ટર હોમ્સ ખાતે તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ બાબતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના શ્રી પી. બી. કુંભાણીએ સંકલન સાધ્યું હતું. કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે રેલ્વે સ્ટેશનની મુલાકાત લઇ આ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પ્રવાસીઓને લઇ આ ટ્રેન અલીગઢ જવા માટે રવાના થઇ હતી