બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
,
ઉડાન યોજના અંતર્ગત 31 મી ઓક્ટોબર બાદ “સી” પ્લેન ચાલુ થશે ગુજરાતના કેવડીયા ખાતે પીએમ મોદીએ ગત 31મી ઓક્ટોબર 2018ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એ બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટો સરકારે હાથ ધર્યા છે.આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ થી કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી “સી” પ્લેન પણ ચાલુ થવા જઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા “સી” પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કર્યા છે.એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે “સી” પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર “સી” પ્લેન ઉતરશે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે “સી” પ્લેનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્નેવ રૂટ પર જેટી બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાયુ છે.ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર 31 ઓક્ટોબરે “સી” પ્લેન ચાલુ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડીયા ખાતે નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ગુજરાતના પ્રથમ “સી” પ્લેનની જેટી અને વોટર એરોદ્રામ બનાવાયું છે, જેમાં ટીકીટ વીંડો અને પ્રવાસીઓ માટેના એક રૂમની વ્યવસ્થા છે.માલદીવથી કેવડિયા આવવા માટે “સી” પ્લેન રવાના થયું છે, માલદીવથી-કોચીન-ગોવા થઈ “સી” પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે.31 મી ઓક્ટોબરે PM મોદી કેવડીયાથી “સી” પ્લેનનું ઉદ્દઘાટન કરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.PM મોદી 30 મી ઓક્ટોબરે બપોરે 3 કલાકે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા ખાતે આવી પહોંચશે, બાદ તેઓ જંગલ સફારી પાર્કનું ઉદ્દઘાટન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ક્રુઝ બોટ મારફતે ભારત ભવન જશે, ત્યાંથી તેઓ સીધા એકતા મોલની મુલાકાત લઈ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું ઉદ્દઘાટન કરશે, ત્યાંથી યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્ઘાટન કરી કેવડીયામાં જ રાત્રી રોકાણ કરશે.
એ જ દિવસે તેઓ એકતા નર્સરી અને ક્રેક્ટર્સ ગાર્ડનની પણ મુલાકાત લે એવી સંભાવનાઓ છે. 31મી ઓક્ટોબરે સવારે તેઓ આરોગ્ય વનની મુલાકાત લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના ચરણોમાં વંદન કરી એકતા પરેડમાં સૈન્યના વિવિધ કરતબો નિહાળશે, સાથે સાથે તેઓ નવા IAS અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે, એ બાદ તેઓ નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતેથી “સી” પ્લેન દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે
.