રિપોર્ટર : પાયલ બાંભણિય,ઉના
કોરોના મહામારીમાં સરકાર અને લોકો વચ્ચે જાગૃતિનુ દેશ સેવારૂપી કામ કરતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પ્રિન્ટ અને ઈલે.મીડિયાના પત્રકારોને પણ તેમની કામગીરી દરમિયાન કંઈ થાય તો કોરોના વોરીયર્સ સમાન સરકારી કર્મીઓ માટે જાહેર કરાયેલ સરકારી સહાય પત્રકારોને આપવાની જાહેરાત કરવા સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી માંગણી કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનના બે અને હાલ ચાલી રહેલ ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા લોકો માટે જાહેર થતી તમામ જાહેરાતો, ગાઈડલાઈનને છેવાડાના માણસ સુધી સચોટ રીતે પહોચાડવાનુ જવાબદાર ભર્યુ કાર્ય ઈલેકટ્રીક અને પ્રીન્ટ મીડીયાના પત્રકારો દિવસ-રાત કરી રહ્યા છે. હાલના માહોલમાં કોરોના સામે દેશ સેવા રૂપી ફરજ બજાવી રહેલ આરોગ્ય, પોલીસ, હોમગાર્ડ, સફાઈ કામદારોની સરકાર જે રીતે ચિંતા કરી તેઓને ફરજ દરમિયાન કંઈ થશે તો સહાય કરવાની જાહેરાત કરી છે. તેવી રીતે લોકીશાહીના ચોથા સ્થંભ એવા પત્રકારોને ફરજ દરમિયાન કંઈ થાય તો સરકાર તેને સહાય આપશે તેવી જાહેરાત કરવી જોઈએ.