બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
આણંદ તાલુકાના ખાનપુર ગામમાં ગત રાત્રીના સુમારે નવરાત્રી પર્વને લઈને મંદિરમાં દિવો કરવા જતા મંદિર પાસે મુકેલા લાકડા હટાવવા બાબતે બે જુથો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને બંને જુથો હાથમાં લાકડીઓ લઈ સામસામે આવી ગયા હતા. અને એકબીજા પર ભારે પથ્થરમારો કરતા બંને જુથના ચાર થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એકત્ર ટોળાને વીખેરી નાખી મામલો કાબુમાં લઈ આ બનાવ અંગે બંને જુથના ૧૮ આરોપીઓ સામે સામસામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર ખાનપુર ગામે પરબડી પાસે રહેતા ગીરીશભાઈ રાજેશભાઈ સોલંકીને મકાન બાબતે ગામના પકાભાઈ શનાભાઈ ભોઈ સાથે તકરાર ચાલે છે અને આ મકાનની પાસે ગામના ભોઈ સમાજ દ્વારા પથ્થરનું મંદિર બનાવીને મુકેલ છે. અને મંદિર પાસે લાકડા મુકેલ છે. ગઈકાલે મોડી સાંજના ૭-૩૦ વાગ્યાના સુમારે ગામના જનકભાઈ પકાભાઈ ભોઈ સહિત ૯ થી વધુ લોકોનું ટોળુ લાકડીઓ લઈને આવ્યા હતા અને મકાન પાસે મુકેલા લાકડા હટાવતા તે બાબતે બોલાચાલી અને ઝઘડો થતા તેઓએ પથ્થરમારો કર્યો હતો અને જેને લઈને ક્ષત્રિય અને ભોઈ સમાજના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ પથ્થરમારામાં રાજેશભાઈ સોલંકી, રમેશભાઈ મેલાભાઈ સોલંકી, હિતેશભાઈ રમેશભાઈ સોલંકી અને જનકભાઈને ઈજાઓ પહોંચી હતી. જેઓને ત્વરીત સારવાર માટે ૧૦૮ ની એમ્બ્યુલન્સ દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એકત્ર ટોળાઓને વીખેરી નાખી મામલો કાબુમાં લીધો હતો. પોલીસે આ બનાવમાં ગીરીશભાઈ રાજેશભાઈ સોલંકીની ફરિયાદના આધારે જનકભાઈ પકાભાઈ ભોઈ, રવીભાઈ બકાભાઈ ભોઈ, વિશાલભાઈ બકાભાઈ ભોઈ, લાલાભાઈ ધુરાભાઈ ભોઈ, નીલેશભાઈ ધુળાભાઈ ભોઈ, બકાભાઈ ખોડાભાઈ ભોઈ, હિતેશભાઈ પકાભાઈ ભોઈ અને મોહીનીબેન ચંદ્રકાન્તભાઈ ભોઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે સામા પક્ષે કોકીલાબેન અંબુભાઈ ભોઈની ફરિયાદના આધારે રમેશભાઈ મેલાભાઈ સોલંકી, રાજેશભાઈ મેલાભાઈ સોલંકી, હિતેશભાઈ રમેશભાઈ સોલંકી, ગીરીશભાઈ રાજેશભાઈ સોલંકી, બુધાભાઈ જેણાભાઈ સોલંકી, જ્યંતિભાઈ જેણાભાઈ સોલંકી, અનિલભાઈ બુધાભાઈ સોલંકી, જ્યંતિભાઈ ઉર્ફો પકો કાંતિભાઈ સોલંકી અને સુમીત્રાબેન રાજેશભાઈ સોલંકી સહિત ૯ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.