કોરોના મહામારીને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે આસો નવરાત્રી પ્રારંભથી શરદ પૂર્ણિમા સુધી દર્શન બંધ રાખવા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જોકે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વર્ચુઅલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ તળેટી ખાતે એલઇડી સ્ક્રીન મુકવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે આસો નવરાત્રી દરમિયાન ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માંથી લાખો માઇ ભક્તો આસ્થાભેર દર્શન માટે ઊમટતા હોય છે.
યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ સાથે લાખો આસ્થાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે. પ્રતિ વર્ષ અહીં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભક્તો માટે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ છે. વળી કોરોના સંક્રમણ વધવા શક્યતા પણ નકારી શકાય એમ નથી. જેથી આસો નવરાત્રી પ્રારંભથી શરદ પૂર્ણિમા સુધી એટલે કે ૧૫ દિવસ સુધી મંદિરમાં જઈ કોઈ પણ ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં એવી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તમામ સંજોગો ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વર્ચુઅલ દર્શનનું આયોજન કરાયું છે. જેના માટે પાવાગઢ તળેટી ખાતે એક એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઈન દર્શન પણ મંદિરની વેબસાઈટ મારફતે કરી શકાશે. વધુમાં પાવાગઢ આવતાં દર્શનાર્થીઓ માટે વર્ચ્યુઅલ દર્શન માટે પણ સોશ્યલ ડિસ્ટન્સ પાલનની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ પાવાગઢ તળેટીથી માંચી જતાં માર્ગ ઉપર વાહનો અને ભક્તોની અવર જવર બંધ કરી દેવામાં આવશે.