બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા પાલિકા ચૂંટણી માટેનું નવું સીમાંકન જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની પોત પોતાના વોર્ડમાં ચહલ પહલ તેજ થઈ ગઈ છે. તો બીજી બાજુ પાલિકા ચૂંટણીનું હજુ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી એ પેહલા તો રાજપીપળા પાલિકા વિપક્ષ નેતાના વોર્ડના મહિલા જાગૃત નાગરિકે વિકાસના કામો ન થયા હોવાની સી.એમ રૂપાણીને ફરિયાદ કરી પાલિકા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાજપીપળા પાલિકા ચૂંટણી ને લઈને હાલ પોત પોતાના વોર્ડમાં ભાજપ-કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ડેરા તંબુ તાણીને ચીપકી ગયા છે. લગભગ આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં પાલિકા ચૂંટણી યોજાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુંતઝીર ખાન શેખના વોર્ડ-૫ ના જાગૃત નાગરિકોએ વિકાસના કામો ના થયા હોવાની ફરિયાદ સીધી CM રૂપાણીને કરતા ખળભળાટ મચ્યો છે. ૬ મુદ્દાની ફરિયાદ કરતો એક પત્ર લખી રાજપીપળા પાલિકાના વહીવટ પ્રત્યે પોતાનો રોષ વ્યકત કર્યો છે. રાજપીપળા પાલિકા ચૂંટણી યોજાતા પહલા આ વિવાદ ઉભો થયો છે કે રાજકીય ચાલના રૂપમાં વિવાદને ઉભો કરાયો છે એ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
રાજપીપળા પાલિકા વોર્ડ-૫ ના રહીશોએ સી.એમ રૂપાણીને જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં નિયમિત સફાઈ કામદારો આવતા નથી. ૬૦-૭૦વર્ષ જૂની પાઈપ લાઈનો હોવાથી પાણી પણ ધીમું આવે છે. સ્ટ્રીટ લાઈટ વગરના વર્ષોથી મરામત ઇચ્છતા રસ્તાઓ પરથી અવરજવર કરવી મુશ્કેલ બની છે, ચોરીનો પણ ભય સતાવી રહ્યો છે. કબ્રસ્તાન સુધી જવાના રસ્તા પર સફસફાઈનો અભાવ છે અંધારપટને લીધે મૈયત લઈ જવી મુશ્કેલ બને છે. મંજુર થયેલી સૌરક્ષણ દિવાલ આજ દિન સુધી બનાવાઈ નથી. અમે 5 વર્ષ પહેલાં ૧૦૦ વર્ષ જુના લીમડાની ડાળીઓ કાપવા રજુઆત કરી હતી એ મામલે પણ કોઈ કાર્યવાહી થઈ નથી.
રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુંતઝીર ખાન શેખે જણાવ્યું કે વોર્ડ-૫ ના વિકાસ માટે ૧૪ જેટલા કામો મંજુર કરાવ્યા છે. આરબ ટેકરા ખાતે નવી પાણીની ટાંકી, રાજપીપળા મુસ્લિમ સમાજ કબ્રસ્તાન ખાતે નવી આર.સી.સી દીવાલ અને રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. સફાઈ બાબતની રજૂઆત છે એના માટે સુપર વાઈઝર બદલવામાં આવશે. વોર્ડ-5માં 3 સભ્યો કોંગ્રેસના અને 1 સભ્ય ભાજપનો છે. એટલે કોંગ્રેસને બદનામ કરવા માટે કામો કરવામાં આવતા નથી. પણ જો મંજુર થયેલા વિકાસના કામો નહિ થાય તો કોંગ્રેસ પણ મોટું આંદોલન કરશે.