રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
હાલમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની બજારમાં અછત ઉભી થયા હોવા અંગેની ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની રજૂઆત સંદર્ભે શ્રી જી.એન.ઠુંમ્મર, ડ્રગ્સ ઈન્સ્પેકટરશ્રી , ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ જિલ્લા કેમિસ્ટ એસોશિયનના સંયુક્ત પ્રયાસોથી રેમડેસીવીર ઇન્જેક્શનના ઉત્પાદકો જેમ કે, Zydus ફાર્મા, hetero ડ્રગ્સ લી. વગેરેનો ગઈકાલે ભાવનગરની દવા બજારમાં આશરે ૪૫૦ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.જેમાંથી મૃણાલ એન્ટરપ્રાઇઝ, બજરંગદાસ બાપા આરોગ્યધામ, બીમ્સ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, જલિયાણ ફાર્મસી, તથા પાર્થ મેડિકલ સ્ટોર સહિતના સ્થળોએ રેમડેસીવર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
તેમજ આવતીકાલે કોવિડ હોસ્પિટલ્સ કે જેમણે અમદાવાદ ખાતેથી રેમડેસીવીર ઇન્જેક્શનના ઓર્ડર કરેલ હશે તેઓને પણ જરૂરી જથ્થો પૂરો પાડવામાં આવશે.તેમજ વધુમાં ભાવનગરની કોવિડ હોસ્પિટલને અપીલ કરતાં શ્રી ઠુંમરે જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે પોતાના વપરાશ મુજબનો ઓર્ડર અમદાવાદ ખાતેના hetero ડ્રગ્સ લી. ના ડેપો ખાતે સમયસર આપે જેથી ઇન્જેક્શન નો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે.
વધુમાં આગામી સમયમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાવનગરની કોવિડ હોસ્પીટલ્સને પુરતાં પ્રમાણમાં મળી રહે તે માટેની સુચારૂ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.આથી સદર બાબતે લોકોએ ગભરાવાની કે ડરવાની જરૂરિયાત રહેતી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.