પાટણ: સિધ્ધપુર તાલુકાની એક માત્ર ગૌ હોસ્પિટલ…

Patan
રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર

ઐતિહાસિક નગરી સિધ્ધપુર ( શ્રીસ્થલ ) ની પ્રાચીન સરસ્વતી નદી કાંઠે આવેલી કામધેનું ગૌ હોસ્પિટલ.

સિધ્ધપુરમાં વસતા માળી હરચંદજી ભગતે સરસ્વતી નદીના કીનારે આવેલી તેમની બે વિઘા જમીન દાનમાં આપતાં આ ભૂમિ પર સને ર૦૧૪ માં કામધેનૂ ગૌ – હોસ્પિટલના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવી સન ૨૦૧૫ માં કામધેનું ગૌ – હોસ્પિટલ કાર્યરત કરવામાં આવ્યું.

સિધ્ધપુરની કામધેનૂ ગૌ હોસ્પિટલની અનન્ય ગૌ-સેવા
સમગ્ર સૃષ્ટી માં ગૌ-માતાની ઘોર ઉપેક્ષા થઇ રહી છે, ત્યારે દેવોનું મોસાળ ગણાતા સિધ્ધપુર ( શ્રીસ્થલ )માં આવેલી કામધેનૂ હોસ્પિટલ રસ્તે રજળતી ગૌ-ધન માટે આર્શિવાદ સમાન પુરવાર થઇ રહી છે.

શહેરમાં વસતા ક્ષત્રિય કૂળના ડી.ટી.ઝાલાના પ્રમુખપદે ગૌરક્ષક મંડળનું ટ્રસ્ટ રચવામાં આવ્યું છે. જેમાં અંદાજીત ૧પ૦ જેટલા યુવાનો ગૌ-સેવા કરવા જોડાયેલા છે, જેમાંથી ર૦ યુવાનો તો સતત ખડપગે રહે છે અને સક્રીયતાથી પોતાની સેવા આપી રહ્યાં છે. આ ગૌ-હોસ્પિટલમાં વેટરનરી ડોક્ટર તરીકે સિધ્ધરાજસિંહ વિના મૂલ્યે સેવા આપી રહ્યાં છે. ટ્રસ્ટ દ્વારા પિતૃમાસ ગણાતા કારતક મહિનાની ગોપાલ અષ્ટમીના દિવસે ગૌ-માતાના યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર તાલુકાના લોકો સહભાગી બને છે અને સિધ્ધપુર શહેરની પરિક્રમા કરી રાત્રે હોસ્પિટલ ખાતે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવે છે. ગૌ-માતાનો સહારો બની રહેલી આ હોસ્પિટલમાં બિમાર , અપંગ અને લુલી-લંગડી અને અકસ્માત થયેલી ગાયો અને નંદીની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે.

હાલમાં અહીં ૩૪ ગાયો અને ૮ વાછરડાં મળી કુલ ૪ર ગૌવંશની સારવાર સાથે સેવા કરવામાં આવી રહી છે. દરરોજ અહીં ગૌ-માતાની આરતી અને વંદના પણ કરવામાં આવે છે. આ ગૌ હોસ્પિટલમાં ૫૦ ગૌ માતા અને નંદી રાખવાની ક્ષમતા ધરાવે છે. સિધ્ધપુર શહેર અને તાલુકાના આસપાસના પપ જેટલા ગામડાંમાંથી અહીં બિમાર ગાયોને સારવાર માટે લાવવામાં આવે છે , ત્યાર બાદ ગૌ માતા અને નંદીની સારવાર બાદ સ્વસ્થ થતા તેમને સિધ્ધપુર પાંજળાપોળ માં મોકલવામાં આવે છે. હોસ્પિટલમાં વેટરનરી ડોક્ટરની સાથે કુલ પાંચ વ્યકિતઓનો સ્ટાફ સતત ગૌ સેવામાં ખડેપગે જોડાયેલો છે. અત્યાર સુધીમાં હજારો ગાયોને અહીં સારવાર આપવામાં આવી છે.

આ ટ્રસ્ટમાં આવકનો કોઈ સ્ત્રોત ન હોવાના લીધે ટ્રસ્ટના કાર્યકરો દ્વારા દર રવિવારે બિંદુ સરોવર પિક – અપ સ્ટેન્ડ પાસે યથા શક્તિ લોક ફાળો ઉઘરાવવામાં આવે છે અને આ ટ્રસ્ટનો દર મહિનાનો નિભાવ ખર્ચ અંદાજીત ૫૦,૦૦૦ જેટલો થાય છે અને ખર્ચ સામે આવક માત્ર ૨૫,૦૦૦ જેટલી મળે છે.

ટ્રસ્ટના પ્રમુખ ડી.ટી.ઝાલા એ જણાવ્યું હતું કે , આકસ્મિક , બિમાર , લુલી લંગડી ગાયો અને નંદીને સ્થળ પરથી હોસ્પિટલ સુધી લાવવામાં ખૂબ જ તકલીફ પડે છે જેના માટે એમ્બ્યુલન્સ ની ખૂબ જરૂર છે તથા ગૌ માતા અને નંદીને ખવડાવવામાં આવતા ચારા પણ વરસાદના કારણે પલળી જાય છે જેના માટે અમે ચારાના ગોડાઉન માટે અને એમ્બ્યુલન્સ લાવવા માટે યથાશક્તિ ફાળો આપવાની અપીલ કરીયે છીએ , અને વધુમાં તેમને જણાવ્યું કે સરકારશ્રી દ્વારા અમારી આ ગૌ હોસ્પિટલ માટે કોઈ પણ જાતની સહાય મળતી નથી. અને તેમને સરકારશ્રી ને વિનંતી કરી હતી કે અમને ગૌ હોસ્પિટલના નિભાવ ખર્ચ માટે સહાય આપવાની માંગ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *