કોરોના કેસ દિવસે દિવસે વધતા જાય છે. તેવામાં આજે વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા વધુ એક આર્મી જવાન બોલેન દરોગાબાબુ (ઉ।30) નો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ગુરૂવારે વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં આર્મીના 3 ક્રાફટસમેનના કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ વડોદરા શહેરમાં 4 આર્મી જવાનના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં માં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 219 ઉપર પહોંચી ગઇ છે.
4 સૈનિક ક્રાફટસમેનને કોરોનાનું સંક્રમણ કયાંથી લાગ્યુ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમને એક જ દિવસમાં એક જ ATMમાંથી નાણાં ઉપાડતી વખતે ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ત્રણ જવાનોની સાથે 28 જવાનો સંપર્કમાં હોવાથી તાત્કાલિક અસરથી તમામ 28 જવાનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જે ATMમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. તે એટીએમને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇએમઇ કેન્ટોનમેન્ટમાં પણ સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે.