રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવી શુભેચ્છા આપતા સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત ચિંતિત છે, ત્યારે આર્થિક ઉન્નતિ સાથે આત્મનિર્ભર બનવાની સાથે આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ અને કલા-વારસાના જતન અને તેના સંવર્ધનની દિશામાં થયેલા પ્રયાસો આવકારદાયક બની રહેશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂા. એક લાખ કરોડનો ખર્ચ કરાયો છે. જંગલની જમીનમાં વ્યકિતગત-સામૂહિક સવા લાખ આદિવાસી બંધુઓને સરકારે જમીન ફાળવી છે.રાજયના મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવ સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ આપણી ઉજ્જવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર આદિવાસી આર્ટસ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આ પર્વનો પ્રારંભ રાજય મંત્રી વિભાવરીબેન દવે સહિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયારે સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે મંત્રી વિભાવરીબેન દવેનું તલવાર, સાફો અને બંડીથી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.
વિભાવરીબેન દવેએ આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક હોવાનું જણાવી માનગઢ હત્યાકાંડના શહીદોને શ્રધ્ધાંજલી આપતા માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરૂને નત મસ્તક નમન કરતા વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. દવેએ વધુમાં સરકારે ગોવિંદ ગુરૂ યુનીવર્સિટી સાથે વનબંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ છાત્રાલય, આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજો, મેડીકલ સીટો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આઝાદીની લડતમાં મોટુ યોગદાન આપનાર આદિવાસી સમાજનું ભવ્ય રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝીયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, દુધ સંજીવની યોજના, માં અમૃત્તમ યોજનાઓનો અમલ કરી આદિવાસી સમાજ વધુ સંગઠીત બની ઉન્નતી પામે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસએ સિધ્ધાંતના ન્યાયે સર્વાંગી વિકાસ પામે અને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાની ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રી વિભાવરીબેન દવે અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વનઅધિકાર પત્રોનું વિતરણ અને વિવિધ યોજનાના આદિજાતિ લાભાર્થીઓને ચેક વિતરણ તથા વિશિષ્ટ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે ૬૩મો વન મહોત્સવ આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા માનગઢની ધરતી પર ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછી માનગઢ ધામમાં વિવિધ વિકાસ કાર્યોની વણથંભી વણઝાર ચાલી રહી છે. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રરેક નેતૃત્વમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી આદિવાસી સમાજ શિક્ષિત બની સંગઠિત બની આગળ વધી રહ્યો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે મહીસાગર યોગગર્લ તરીકે જાણીતી બનેલી કુ. કાજલ રાવતે આર્ટીસ્ટીક યોગા કરી ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. સરકારની આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ પર ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું.