રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધુન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું કોઠારી નિરીક્ષણ કરશે. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે ગઈકાલે સાંજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા કોઠારીએ ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ તેમણે ખાસ સુચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલિયમ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સી.એન.ચૌધરી, જિલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યા મુજબ સદરહું ઉજવણી પ્રવર્તમાન કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવા વગેરે જેવા ધારાધોરણના પાલન સાથે મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમારોહમાં કોરોના વોરિયર્સને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાશે.