રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
શ્રાવણ સુદ-૧૦ ના રોજ બહેનોએ દશામાના વ્રતના અંતિમ દિવસે માતાજીનું જાગરણ કરી વહેલી સવારે માતાજીને ભાવપૂર્વક વિદાય આપી હતી. ખારાપાટ,ચુંવાળ અને ઝાલાવાડ પંથકમાં દસ દિવસ સુધી બહેનોએ દશામાની પૂજા,અર્ચના તેમજ આરતી અને માતાજીની વ્રતની કથા કરી બહેનોએ ઉત્સાહ પૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી. આજે માંડલમાં સવારના સમયે બજાર લાઈન, કોઠારીવાસ,ગુંદીવાસ વિસ્તારમાં ફરતો ફરતો એક ઉંટ સૌપ્રથમવાર આ વિસ્તારમાં આવી પહોંચ્યો હતો જોકે ઉંટ એ દશામાનું વાહન કહેવાય છે. આવો ચમત્કાર થતાં આ વિસ્તારની બહેનોએ સાક્ષાત ઊંટની પૂજા કરી હતી. કેટલીક બહેનોએ આ ઊંટે દર્શન દીધા તે પોતાની આસ્થાનું પ્રતિક ગણાવ્યું હતું તો કેટલીક બહેનોએ એમ પણ જણાવ્યું હતું કે, આજે દશામાં વિદાય લઈ રહ્યા છે ત્યારે આ ઉંટ માતાજીને લેવા પધાર્યો હશે. આમ આજે માંડલમાં દશામાની વિદાયની સાથે સાથે ઉંટ આવી જતાં સાક્ષાત્કાર થયો હતો.