કતવારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન આઐગાવાડા ગામમાં ગજેતા ફળિયામાં રહેતો વિકાશ હરજી ગુંડીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે વિકાશ ગુંડીયાના ઘરે રેઇડ કરતાં પોલીસને રેઇડ જોઇ વિકાશ ગુંડીયા ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો.
માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ બિયરના 432 પતરાના ટિન મળી આવ્યા
પોલીસે ઘરમાં તપાસ કરતાં એક રૂમના ખુણામાં બિયરની 18 પેટીઓ જોવા મળી હતી. જે ખોલીને જોતા માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ બિયરના 432 પતરાના ટિન જેની કિંમત 43,200ના મળી આવ્યા હતા. મળી આવેલો બિયરનો જથ્થો જપ્ત કરી ઘરે હાજર નહી મળેલા વિકાશ ગુંડીયા વિરૂદ્ધ કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.