રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
જાફરાબાદના માછીમારોની હાલત કોરોનાએ કફોડી બનાવી દીધી છે. હવે ચોમાસાના કારણે સિઝન બંધ હોય આર્થિક રીતે કેડ ભાંગી જતા સરકાર માછીમારોને ખાસ પેકેજ આપે તેવી માંગ બોટ એસો.એ કરી છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ શહેર અને પીપળીકાંઠાના ૩૦ હજાર લોકો માછીમારીના ધંધા પર નભી રહ્યાં છે. અહીના માછીમારો સરકારને દર વર્ષે કરોડોનુ વિદેશી હુંડીયામણ પણ રળી આપે છે. પરંતુ આ સિઝનમા માછીમારોની હાલત કફોડી છે. કોરોનાના મહા સંકટના કારણે લાંબા સમયથી બોટો કાંઠે પડી છે. ધંધામા મંદીના કારણે ન તો કોઇએ નવી બોટ ખરીદી છે કે ન તો બોટની મરામત કરી છે. માછીમારોને હાલમા રોજીરોટીના ફાંફા છે. લાંબા સમયથી કામ વગર ઘરે બેઠા છે. ત્યારે અહીના બોટ એસોના પ્રમુખ કનૈયાલાલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મત્સ્યોદ્યોગ મંત્રીને પત્ર પાઠવી માછીમારો માટે પેકેજ જાહેર કરવા માંગ કરી છે.