રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ દેશમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે.આ વાયરસને કેવી રીતે કાબુમાં લેવો એ મામલે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત છે.હવે તો ઉંમર લાયક અને જુવાન વ્યક્તિઓની સાથે કોરોના સંક્રમણમાં નાના બાળકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.વાત કરીએ નર્મદા જિલ્લાની તો કેવડિયા કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે.રાજપીપળા માં સારવાર લેતા કેવડિયા એસ.આર.પી જવાનોની ગૃપ ૧૮ ની એક ટુકડી સુરત ખાતે કોરોનાની ફરજ પર ગઈ હતી. એ ટુકડી ફરજ પતાવી કેવડિયા પરત આવી એ બાદ એક પછી એક ૫૨ જેટલા એસ.આર.પી જવાનો અને એમની સાથે એમનું પરિવાર પણ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચ્યો છે.હાલ રાજપીપળા કોવિડ:૧૯ હોસ્પિટલમાં ૫૨ જેટલા એસ.આર.પી જવાનો અને એમના પરિવારના સભ્યો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
એમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.નર્મદા આરોગ્ય વિભાગે એ બાળકોને ઇન્ડોર ગેમ્સ જેવીકે સાપ સીડી, લુડો, પત્તા કેટ, બ્રેઇન વિટા, એરો ગેમ, નવો વેપાર જેવી નાની મોટી ગેમ્સ આપવામાં આવી છે.રાજપીપળા સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ ડો.જ્યોતિ ગુપ્તાના જણાવ્યા મુજબ નાના બાળકોમા કોરોનાનો હાઉ હોય છે એ દૂર કરવાની સાથે સાથે તેઓ પોતે એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે એવું ન લાગે એનો આ નાનકડો પ્રયાસ છે.હોસ્પિટલમાં રમતા રમતા બાળકનું મન પણ પ્રફુલ્લિત રહે અને તેઓ પોતાના જ ઘરમાં છે એવી રીતે સારવારના દિવસો પણ પસાર થઈ જાય.એ જ કારણોસર અમે બાળકો માટે ખાસ વ્યવસ્થા કરી છે.હાલ ૬ જેટલા બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.