કોરોનાના ફફડાટ વચ્ચે સ્વાઈનફ્લૂએ માથુ ઉંચકયું છે તેવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખુબજ જરૂરી બની ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં આ સિઝનનો ત્રીજો કેસ પોઝિટિવ મળી આવ્યો છે. રાંદેસણના યુવાનને સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વની સાથે હવે ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેને લઇને આરોગ્યતંત્ર જ નહીં પરંતુ સમગ્ર સરકાર ચિંતામાં છે. સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે તો સાથે સાથે સ્વાઇનફ્લૂના કેસ પણ આવી સ્થિતિમાં સામે આવી રહ્યા છે. જે ખુબ જ જોખમી માનવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં આજે સ્વાઇનફ્લૂનો ત્રીજો પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. રાંદેસણનો યુવાન એચવનએનવન પોઝિટિવ આવ્યો છે જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાંદેસણના ૩ર વર્ષીય યુવાનને છેલ્લા ઘણા વખતથી ગળામાં તકલીફ સહિત તાવ અને કફની બિમારી હતી. જેને લઈને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં તબીબો તેને સ્વાઈનફ્લૂનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. દર્દીના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓનું પણ હવે સ્ક્રિનીંગ કરાશે અને કોઈ શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને જરૂરી સારવાર અપાશે.