રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
કોરોનાને લઇ બે દિવસ કેમ્પ યોજી જેલના કેદીઓ અને પોલીસકર્મીઓના આરોગ્યનું નિદાન કરાયું.
હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ અને બીજા શહેરમાં લોકોની રક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે અને ઘણી જેલમાં કેદીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે અરવલ્લીમાં તકેદારી રૂપે જેલના કેદીઓ તેમજ જેલ સ્ટાફના આરોગ્યનું નિદાન કરી કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં જોવા મળતા કોરોનાનો આંક ૨૦૦ને પાર પંહોચી ગયો છે ત્યારે મોડાસા શહેરમાં જ કોરોનાના ૯૦ થી વધુ કેસ મળી આવ્યા છે જેને લઇ મોડાસા શહેરીજનોના આરોગ્યની દરકાર માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેમાં મોડાસા જેલમાં સજા કાપી રહેલા કેદીઓની પણ સંભાળ લેવામાં આવી રહી છે. જેમાં બે દિવસ દરમિયાન વિશેષ કેમ્પનું આયોજન કરીને જેલના ૧૨૭ કેદીઓ તેમજ તેમની પાસે ફરજ બજાવતા ૧૭ જેલ સ્ટાફના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કોઇ કેદી કે સ્ટાફ કોરોનાના દર્દીના સંક્રમણ આવ્યા હોય તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લેવામાં આવેલા પીસીઆર ટેસ્ટના પરીણામ થકી માલૂમ પડશે.