રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. હાઇવે ઓથોરીટી તથા માર્ગ મકાન વિભાગ દ્વારા રોડના તથા અન્ય બાંધકામના કામોમાં અન્ય રાજયોમાંથી મજુરો લાવવામાં આવે છે. જે મજુરો, મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે. જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓમાં મોટા ભાગના કિસ્સાઓમાં પરપ્રાંતિય મજુરો ગુન્હા આચરી પરત પોતાના વતનમાં જતા રહેતા હોય, આવા ગુન્હા પણ શોધાયેલા રહે છે.
આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ડો.બી.એસ.પ્રજાપતિ ગીર સોમનાથ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) મજુરોને કામે રાખનાર મજૂર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઇ મજુરો કામે રાખનારાઓએ આવા મજુરોને કામે રાખે ત્યારે નીચે મુજબના નિયત ફોર્મમાં માહિતી ભરપાઇ કરી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવાની રહેશે. જેમાં મજુરનો તાજેતરનો ફોટો તેના અંગુઠાનું નિશાન, મુકાદમ/સપ્લાયર/કોન્ટ્રાકટરની સહિ અને નામ પણ હોવું જરૂરી છે.
આ હુકમ તાત્કાલીક અસરથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ કલેક્ટર કચેરી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.