રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
એ વાત ને યાદ કરતા પણ મન ધ્રુજી ઉઠે છે..લખાણ સાથેના ફોટા સોશ્યિલ મીડિયામાં વાયરલ
વંથલી – શાપુરની જળહોનારતને આજે 35 વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. 70 ઇંચ જેટલો વરસાદ પડતાં ગાંડીતુર બનેલી નદીઓનાં પાણી આ બંને શહેર અને આસપાસનાં વિસ્તારમાં ફળી વળતા ભારે તારાજી સર્જી દીધી હતી. – 22 જૂન 1983માં 70 ઇંચ વરસાદ પડતાં વંથલી – શાપુર બેટમાં ફેરવાયું’તું – આ જળ હોનારતમાં 1200 લોકોનાં મોત થયા હતાં
વંથલી – શાપુર પંથકમાં ગત 22 જૂન 1983નો દિવસ ભયાનક રહયો હતો. આ દિવસે 70 ઇંચ જેટલો વરસાદ પડતાં ઓઝત, ઉબેણ, મધુવંતી નદીઓમાં ભારે પુર આવતા ગાંડીતુર બની હતી અને આ ભયાનક જળ હોનારતથી વંથલી – શાપુર સહિતનાં આસપાસનાં વિસ્તારો 48 કલાક સુધી પાણીમાં ગરકાવ બન્યા હતાં. લોકોએ બે દિવસ સુધી મકાનનાં નળીયા, છાપરા, વૃક્ષો પર રાત વિતાવી હતી. રેલવે લાઇન સંપુર્ણ ધોવાઇ ગઇ હતી. એક પણ વીજપોલ બચ્યો ન હતો. ટેલીફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. રસ્તાઓ સાવ તુટી ગયા હતાં. અનેક લોકો અને પશુઓ મોતને ભેટી ગયા હતાં. સેવાભાવી યુવાનોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી પુરમાં ફસાયેલા લોકોને દોરડા વડે બહાર કાઢી સલામત સ્થળે પહોંચ્યાડયા હતાં. આ હોનારતની જાણ કરવા બે તરવૈયા યુવાનોને ચીઠ્ઠી લઇને જૂનાગઢ મોકલવામાં આવ્યા બાદ તંત્ર મદદ માટે દોડતું થયું હતું. આજે પણ 1983ની જળ હોનારતને યાદ કરતા જ ભય પસાર થઇ જાય છે. આ જળ હોનારતમાં 1200 લોકોનાં મોત થયાં હતાં. તેમજ સેંકડો પશુઓ મોતને ભેટી ગયા હતાં એમ શાપુર ગામનાં આગેવાન વાલજીભાઇ ફળદુએ જણાવ્યું હતું.
આ ભયાનક જળપ્રકોપનાં ચોથા દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ આવી પહોંચી આ તારાજી અને લોકોની સ્થિતિ જોઇ અંદરથી હચમચી ઉઠયા હતાં. તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, અનેક નેતાઓ, સેવાભાવી સંસ્થાઓએ મુલાકાત લીધી હતી. આજે પણ તે વડિલો તે ક્ષણને યાદ કરતા ધ્રુજી ઉઠે છે. વર્ષોની દુખદ ઘટના બાબતના લખાણ અને ફોટા આજે પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહયા છે.