રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલીકા પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માંગરોળ નગરપાલીકાને કચરાની જમીન ફાળવણી થયા બાદ સ્થાનિક વિવાદ ને લઇ કચરો નાખવા ન દેવાતા હાલ શહેર ની હાલત કફોડી બની છે. તેમજ શહેરની એક લાખ જેટલી વસ્તી સામે રોગચાળાની દહેશત ઉભી થઇ છે.
માંગરોળ શહેરનો રોજનો ૧૫ થી ૨૦ ટ્રેક્ટર કચરો થાય છે જે પહેલા બંદર વિસ્તારમાં નાખવામાં આવતો હતો ત્યાંના રહીશોનો વિરોધ ઉઠતા કલેક્ટર જૂનાગઢ દ્વારા તાત્કાલિક અસરથી ચોટલી વીરડી જગ્યા ફાળવવામાં આવી હતી. ત્યાં પણ રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકો એ કલેક્ટરમાં રજુઆત કરતા કરમદી ચિંગરિયા જમીન ફાળવામાં આવી હતી. કરમદી ચિંગરિયામાં રાજકીય આગેવાનો ના હિત અને સ્થાનિકો દ્વારા પેશકદમી ને લીધે તે જગ્યા પર કચરો ઠાલવવા ના દેતા કલેકટર દ્વારા મકતુપુર ગામે સર્વે ૧ પૈકી ૨ ખરાબા વાળી રિઝવર જમીન ફાળવેલ છે. મકતુપુર ગામે ફાળવેલી આ જમીન પર પાલીકા દ્વારા સાફસફાઈ અને દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરતા ત્યાંના લોકો એ વિરોધ કરતા રાજકીય પ્રતિનિધિઓ અને નેતાઓ સ્થળ પર આવી ત્યાં કચરો ના ઠાલવવા સૂચન કરેલ છે.
જેથી નગરપાલીકા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર જતાં ગામલોકોના વિરોધ ને લીધે પાછી પડેલ છે. હાલમાં રોજીંદો કચરો ૧૫ થી ૨૦ ટન દૈનિક કચરો ક્યાં ઠાલવવો તે વિકટ સમસ્યા ઉભી થઇ છે તેથી પાલિકા દ્વારા શહેરી કચરો ઉપાડવાનું બંધ કરતા શહેરમાં ચારે તરફ કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે તેમજ ઉભરાયેલી ગટરો જોવા મળી રહી છે.
હાલમાં કોરોના મહામારીનો ગંભીર પ્રશ્ન હોય અને વરસાદને લીધે કચરાના બીજી બીમારીઓ પણ ઉતપન્ન થાય તેવી સંભાવના છે શહેરની એક લાખ જેટલી વસ્તી સામે આરોગ્યનો ખતરો તોળાઈ રહ્યો છે. પાલિકા દ્વારા જ્યા સુધી કચરો ઠાલવવા જગ્યા નહીં મળે ત્યાં સુધી કચરો ઉપાડવાની અને ઉભરાયેલી ગટરો ના ઉપાળવાની ચીમકી આપવામાં આવી છે.