કાલોલ તાલુકાના આટા ગામ પાસે આવેલ અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય પ્રાઇવેટ સ્કૂલ દ્વારા વાલીઓ ઉપર ફી ભરવા બાબતે દબાણ આપવામાં આવી રહ્યું છે. લોકડાઉન ના સમયગાળાની ફી માટે વાલીઓને ફોન માં મેસેજ મોકલી, સર્ક્યુલર મોકલી, ઓનલાઇન મીટિંગ કરી ફી ભરી જવા બાબતે ઉઘરાણી કરવામાં આવી રહી છે. સરકારના નિયમ મુજબ આ લોકડાઉન દરમિયાન જે આર્થિક મંદી આવી છે તેની માટે તેઓએ જણાવ્યું કે કોઈ પણ શાળા દ્વારા ફી ભરવા બાબતે દબાણ કરવું નહીં પરંતુ અમૃત વિદ્યાલય સ્કૂલ દ્વારા સરકારના નિયમ વિરુદ્ધ ઉઘરાણી થઈ રહી છે. તેથી આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સોમવારે એક આવેદનપત્ર શાળાના પ્રિન્સીપાલને આપવામાં આવ્યું હતું. જેની એક નકલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પંચમહાલ ને પણ મોકલી આપવામાં આવી હતી.
શાળાના પ્રિન્સીપાલને આપવામાં આવેલ આવેદનપત્રમાં ૧૨૭ વિદ્યાર્થીઓના ૯૦ જેટલા વાલીઓએ પોતાની સહી કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઓનલાઇન શિક્ષણના નામે થતી ફી ની ઉઘરાણી બંધ કરવા તેમજ મોબાઈલ અને ઈન્ટરનેટ મારફતે ઝુમ એપ્લિકેશનથી થતું શિક્ષણકાર્ય તાકીદે બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા સપષ્ટતા કરવામાં આવી છે કે ઝૂમ એપ્લિકેશન બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવા માટે યોગ્ય નથી છતાં આ સ્કૂલ દ્વારા ઝૂમ એપ્લીકેસશન થકી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલના લોકડાઉંનના સમયમાં સ્કૂલ બંધ હોવા છતાં સ્કૂલ દ્વારા વાલીઓ પર લાદવામાં આવેલ યોગા ફી, કોમ્પ્યુટર ફી, લાયબ્રેરી ફી, ભોજન ની ફી કેટલા અંશે વાજબી ગણી શકાય? આ બધી ફીઓ ને સદંતર બંધ કરવા પણ આવેદનપત્રમાં જણાવ્યું હતું. કોરોનાને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં વાલીઓ પાસે આવકનો કોઈ સ્રોત ન હોય તેથી નાણાની ઉઘરાણી બંધ કરવા તથા શાળામાં વાલી પ્રતિનિધિ તરીકે વાલી મંડળની રચના કરવા તેમજ સરકારી નીતિ-નિયમો મુજબ ફી નું નવું માળખું નક્કી કરવાની માંગણી કરવામાં આવેલ છે.
જે કોઈ વાલીઓએ એપ્રિલ-મે ની ફી ભરી હોય તેવા વાલીઓને ફી રીફંડ કરવા માટે પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યા છે કે કોઈ પણ સ્કૂલ લોકડાઉંન દરમ્યાન વાલીઓ પર ફી માટે દબાણ નહિ કરી શકે છતાં પણ ખાનગી શાળાઓ વાલીઓ પાસે હાલની વિકટ પરિસ્થિતિમાં પણ ફી ભરવા માટે દબાણ કરી રહી છે અને જો ફી નહીં ભરે તો ઓનલાઇન અભ્યાસક્રમમાં તેઓના બાળકને સામેલ કરવામાં નહીં આવે તેવી ધમકીઓ આપે છે. જેને પરિણામે વાલીઓએ આવેદનપત્ર આપેલ છે શાળાના આચાર્ય વિપીનભાઈ બારીયાએ આવેદનપત્ર સ્વીકારી વાલીઓની માંગણી ટ્રસ્ટી મંડળ સુધી પહોંચાડવા ખાતરી આપી છે. સ્કૂલ દ્વારા દીન પાંચમાં યોગ્ય જવાબ નહીં મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે.