રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
નિલકી ફાટક વિસ્તાર વોર્ડ. ન.2 માં મુખ્યત્વે અનુ.જાતિના 300 પરિવારો રહે છે. આ વિસ્તારમાં આઝાદીના 70 વર્ષ થવા છતાં ભૂગર્ભ ગટર ચાલુ કરવામાં આવી નથી. અંદાજે 2 વર્ષ અગાઉ આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ ભૂગર્ભ ગટર પાણીના નિકાલ નું કામ કરવામાં આવ્યું નથી. આ કામ કરનાર એજન્સી દ્વારા આડેધડ કોઈપણ લેવલિંગ કર્યા વિના ભૂંગળાઓ નાખી દીધા છે.
કિરીટ રાઠોડ એ ફરિયાદ માં જણાવ્યું છે કે, રતનબેનની ચાલી, રામદેવપીર મંદિર પાસે. પાછલા 25 દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રસ્તા ઉપર થઈ ધાર્મિક જગ્યા પાસે એકઠું થાય છે. આ દૂષિત પાણીથી આજુ બાજુના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે. ચાલીના રહીશોને અવર જવરમાં ખૂબ હાડમારી વેઠવી પડી રહી છે. અને નાના બાળકો તો ગંદા પાણીમાં ચાલતા લપસીને પડી પણ જાય છે.
હાલ કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે. તેવા સંજોગોમાં આ વિસ્તારના રહીશોનો આરોગ્યની સામે ખતરો પેદા થયો છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર આ બાબતે વિરમગામ નગરપાલિકામાં ફરિયાદ કરી ચુક્યા છે. આ ફરિયાદ અંગે નગરપાલિકા દ્વારા એક દિવસ સફાઇ કામદારોને મોકલી ગટર સફાઈ કરી હતી. પરંતુ ફરિયાદનો નિકાલ થયો નથી. ગટરનું લેવલિંગ બરાબર ન હોઈ તેમજ મુખ્ય રસ્તામાં મોટી ચેમ્બર પણ બનાવી ન હોઈ આ સમસ્યા સર્જાય છે. હાલમાં રતન બેન ની ચાલીમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે તેનું કારણ કે ગટરનું પાણી નિકાલની દિશા તરફ આગળ જવાને બદલે ગંદુ પાણી પાછું પ્રેસર થી આવતું હોવાથી ગટર ઉભરાય છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વિસ્તારની મુખ્ય રોડ ઉપર આવેલ તમામ ચેમ્બરો ખોલીને પાણી જવા માટે જે કાંઈ અવરોધ હોઈ તેને દૂર કરવામાં આવે તેમજ પ્રેશર મારવામાં આવે તો નિકાલ વાળી જગ્યાઓ ખુલ્લી થાય અને પાણી આગળ નીકળે તેવું અમારું માનવું છે. તેમજ રતનબેન ની ચાલી સામે રામદેવપીરના મંદિર પાસે મોટી ભૂગર્ભ ચેમ્બર બનાવવામાં આવે તો પાણી નિકાલની મુશ્કેલીનો નિકાલ આવી શકે તેમ છે.
જેથી આ જાહેર હિતની આરોગ્યના જોખમથી ફરિયાદ નો ત્વરિત નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વિનતી સાથે માંગણી કરી રહેલ છે.