રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ત્રણ-ત્રણ લોકડાઉન દરમ્યાન કાળા બજારમાં લુંટાયેલા પાન-માવાના વ્યસનીઓને ગુજરાત સરકારે ચોથા લોકડાઉનમાં પાન-માવાની દુકાનો ખોલવાની મંજુરી આપતા જ કોડીનારની બજારમાં પાન-માવાના વ્યસનીઓના ટોળે ટોળાઉમટી પડતા સરકારની સોશ્યલ ડીસ્ટન્સ સહિત તમામ કાયદાઓના ધજાગરા ઉડયા હતા. કોડીનારમાં પાન-માવાની અનેક દુકાનો આવેલી છે પણ આ તમામ લોકોએ લોકડાઉન દરમ્યાન જથ્થાબંધ વેપારીઓ પાસેથી તંત્ર અને આગેવાનોની મીઠી નજર હેઠળ તમાકુના ડબ્બાના રૂા.૧૨૦૦ તથા સોપારી એક કીલોના રૂા.૧૨૦૦ લેખે વસુલીને ખાનગીમાં ધંધો ચાલુ રાખ્યો હતો. કોડીનાર શહેરમાં સાયના બીડી અને બાગબાન તમાકુના એક માત્ર ડીસ્ટ્રીબ્યુટર છે. આ સિવાય ૧૯ જેટલા અન્ય હોલસેલર અને પેટા હોલસેલરની ૪૫ જેટલી દુકાનો આવેલી છે. હાલ એક માત્ર વેપારી પાસે આખા કોડીનાર તાલુકાને પુરો પડી જાય તેટલી બીડી તમાકુનો જથ્થો છે પરંતુ તાલુકાભરમાં આવેલ અંદાજે પંદરસોથી બે હજાર જેટલા નાના-નાના વેપારીઓ ઉમટી પડવાની ભીતીથી તેમજ છેલ્લા બે માસથી કેટલાક અસામાજીક તત્વોની આ વેપારી દુકાન ખોલે તે ટાંપીને બેઠેલા હોઈ દુકાન ખોલતા નથી ત્યારે આજે સવારે તેમણે દુકાન ખોલતા જ એક તબક્કે કોડીનારની મેઈન બજારમાં એક હજાર ઉપરાંત લોકોની ભીડ થઈ જતા તેને પોલીસ બોલાવી પડી હતી અને પોલીસે તેને દુકાન બંધ કરવા સુચના આપી ટોળાને ભગાડયા હતા. આ એક માત્ર ડીસ્ટ્રીબ્યુટર સિવાય અન્ય ૧૯ જેટલા હોલસેલર પાસે પુરતો માલ ન હોવાનુ જણાવે છે ત્યારે લોકડાઉનના બે મહિના સુધી આ તમામ વેપારીઓએ પાછલા બારણે તંત્ર અને શહેરના આગેવાનોની રહેમ દ્રષ્ટીથી પાન-મસાલા સહિતનો માલ કાળા બજાર હેઠળ ધકેલી દીધાની શકયતા નકારી શકાતી નથી. ચોથા લોકડાઉનમાં સરકાર દ્વારા આપેલી છુટછાટ અને કલેકટર દ્વારા બહાર પાડેલા જાહેરનામાના અમલ અંગે કોડીનાર નગરપાલીકા દ્વારા ચીફ ઓફીસરને આપેલી સત્તા મુજબ કોડીનાર નગરપાલીકા દ્વારા ઓડ ઈવન મુજબ બજારની એક સાઈડ ખુલ્લી અને એક સાઈડ બંધ રાખવા વેપારીને જણાવ્યું છે પણ ખાસ કરીને પાન-માવાના વ્યસનીઓની ભીડથી તંત્રના તમામ જાહેરનામાના ધજીયા ઉડી રહયા છે ત્યારે શહેરનુ ટોબેકો એશો. પણ હવે શુ કરવુ શુ ન કરવુ આગેવાનો કે અધિકારીઓ બન્નેમાંથી કોનુ માનવુ ન માનવુ તે અસમંજસમાં છે ત્યારે કોડીનાર શહેરની બજારની ભીડ કયારે કોરોના બોમ્બનો વિસ્ફોટ કરશે તે નક્કી નથી જેથી તંત્રએ પાન-બીડી, સોપારીના કાળા બજારીયાને નાથીને નાના બંધાણી સુધી ચીજવસ્તુ પહોંચે તેવી વ્યવસ્થા કરવી જરૂરી બની છે