હીરાના ભાવ નહીં મળતાં ફેક્ટરીઓમાં 2થી 3 કલાકનો કાપ, ઘણીમાં મિનિવેકેશન જાહેર.

Latest surat

તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. છેલ્લાં 1 અઠવાડિયાથી ભાવનગરની હીરા ફેક્ટરીઓમાં વેકેશન જાહેર કરી દેવાયું છે. કારણ કે, ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે. તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતાં અમુક ફેક્ટરીઓમાં 2થી 3 કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે. જ્યારે નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન જાહેર કરી દીધું છે. ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણી કહે છે કે, ‘હાલ રફના ભાવ તો ઘટ્યા છે, પરંતુ તૈયારહીરાના ભાવ મળી રહ્યાં નથી. જેમની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે તેઓ વેકેશન રાખી રહ્યાં છે. અમુક યુનિટે સમય ઘટાડી દીધા છે. પરંતુ તહેવારો આવતા હોવાથી ફરી ડિમાન્ડમાં વધારો થશે’. સુરત પણ લેબગ્રોન ડાયમંડમાં આગળ વધે તે માટે સ્થાનિક હીરાવેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકારની સબસિડીની ફાઈલ આગળ વધી રહી નથી. છેલ્લાં 1 વર્ષથી શહેરના 10થી વધુ ઉદ્યોગકારોએ લેબગ્રોન ડાયમંડની સબસિડી માટે ફાઈલ મુકી છે. પણ હજુ સુધી તેમાં ડેવલપમેન્ટ દેખાયું નથી. આ બાબતે ઉદ્યોગકારોએ સરકારને રજૂઆત પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *