વર્ષ – 2022માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાસપોર્ટ કઢાવવા માટે 1.41 લાખ અરજીઓ આપી છે, જ્યારે કે 2021માં શરૂઆતના ત્રણ મહિનામાં 1.14 લાખ અરજીઓ આવી હતી. 2022માં પાસપોર્ટ માટે અરજી કઢાવનારાઓની સંખ્યામાં 40 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે 60 ટકા ટુરિસ્ટ, બિઝનેસ અને હજ પઢવા જનારા લોકોનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, મોટાભાગના દેશોએ કોરોના બાદ પોતાની બોર્ડર ખોલી છે, વિદ્યાર્થીઓ ઉપરાંત ટુરિસ્ટને પણ મંજૂરી અપાઇ છે. જેથી પાસપોર્ટ કઢાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા વર્ષ – 2022ના જાહેર કરેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1,41,422 લોકોએ પાસપોર્ટ માટે અરજી કરી હતી. જ્યારે તેમાંથી 1,32,188 લોકોની અરજીને માન્ય રાખવામાં આવી હતી. કોરોના મહામારી બાદ લોકો વિદેશમાં ફરવા જવા માટે અને અભ્યાસ માટે મોટી સંખ્યામાં પાસપોર્ટ કઢાવી રહ્યાં છે. રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ જણાવ્યું હતું કે, હવે જ્યારે તમામ દેશોએ અભ્યાસ અને ટૂરિસ્ટ માટે પોતાના દ્વાર ખોલ્યા છે ત્યારે પાસપોર્ટ કઢાવવા આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પાસપોર્ટ કઢાવવા આવનારા લોકોમાં 40 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે કે અન્ય 60 ટકામાં બાકીના તમામ લોકોનો સમાવેશ થાય છે. કોવિડના કેસમાં ઘટાડો થતાં લોકો વિદેશ અભ્યાસ ઉપરાંત પ્રવાસ માટે પણ જતા થયા છે. જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં આવેલી 1.41 લાખ અરજીમાંથી 1.32 લાખ અરજી સ્વીકારવામાં આવી હતી.પાસપોર્ટ પર જે તે કન્સલ્ટન્સી એજન્સી કે એજન્ટ પોતાના પ્રચાર- પ્રસાર માટે સ્ટિકર લગાવી દે છે, હવેથી પાસપોર્ટ પર સ્ટિકર ન લગાવવા મુદ્દે એડ્વાઇઝરી જાહેર કરાઇ છે. અધિકારીઓના મતે, પાસપોર્ટના દરેક પેજ પર સિક્યુરિટી ફિચર્સ હોય છે. સ્ટિકર લગાવવાથી તે દબાઇ જાય છે, જો સ્ટિકર કાઢવામાં આવે તો પાસપોર્ટ ડેમેજ થઇ શકે છે. હવેથી પાસપોર્ટ પર કોઇપણ પ્રકારના સ્ટિકર ન લગાવવા એડ્વાઇઝરી થઈ છે.