ઉનાળાના સમય દરમિયાન લીંબુની ભારે માંગ રહે છે. કાળઝાળ ગરમી અને હિટસ્ટ્રોકથી બચવા માટે લોકો લીંબુ પાણી અથવા લીંબુ શરબત પીને ઠંડક મેળવતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં અચાનક વધારો થતા લોકોએ લીંબુનો વપરાશ ઓછો કરી દીધો છે. સામાન્ય દિવસોમાં 50 થી 100 રૂપિયે કિલો મળતા લીંબુના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થતા કીલોનો ભાવ રૂા.200 થી રૂા. 300 એ પહોચ્યો છે. ગોધરામાં શાકભાજીના વેપારીના જણાવ્યા અનુસાર રમજાન માસ તથા ચૈત્રી નવરાત્રીને લઇને લીંબુની માંગ વધતા ભાવમાં વધારો થયો છે. વેચાણ માટે બોરી ભરીને મંગાવાતા લીંબુ હવે માત્ર બે ત્રણ કિલો મંગાવતા હોવાનું જણાવ્યુ હતુ. દેશી લીંબુની આવક બંધ થતાં હવે અન્ય રાજ્યમાંથી લીંબુ આવતા હોવાથી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન વધતા લીંબુના ભાવમાં વધારો થયો છે. પણ બીજી બાજુ સંગ્રહાખોરીના લીધે વેપારીઓ વધુ નફો લેવા લીંબુના કૃત્રિમ ભાવ વધી રહ્યા હોવાનું પણ લોકો કહી રહ્યા છે. લીંબુના ભાવમાં અસહ્ય ભાવ વધારો થતા જાહેર રસ્તા પર લીંબુ શરબત વેચતા ધંધાર્થીઓએ પણ ભાવ વધારી નાખ્યા છે.